અમદાવાદની જાણીતી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ જાહેરાત કરી છે કે તેણે ભારતીય બજારમાં રિમડેક બ્રાન્ડ નામથી રેમડેસિવીરના ઇન્જેક્શન લોન્ચ કર્યું છે. કંપનીએ આ લાયોફ્રિલાઇઝ્ડ ઈન્જેકશનની 100 મિલીગ્રામની કિમત રૂ. 2800 રાખી છે.
રેમડેસિવીર કોરોના વાયરસના ઇલાજમાં અત્યારે સૌથી વધુ વપરાતી દવા છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમની બ્રાંડ એ ભારતની સૌથી સસ્તી રેમડેસિવીર બ્રાંડ છે.

રેમડેક એ સૌથી પરવડે તેવી દવા છે. આના દ્વારા લોકોને કોવિડ-19ની સારવાર સરળતાથી અને ઝડપી મળે તેવા અમારા પ્રયત્નો રહેશે. રેમડેસિવીરના ઉત્પાદન અને વેચાણ માટે ઝાયડ્સે જૂન 2020માં અમેરિકાની ગિલેડ સાયન્સિસ ઇંક સાથે નોન એક્સક્લુઝિવ કરાર કર્યો છે. આ દાવાને અમેરિકન ઓથોરિટી US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી કોરોનાના ઈલાજ માટે માન્યતા મળી છે.
ગ્લોબલ હેલ્થકેર કંપની ઝાયડસે તેની પ્લાઝમિડ DNA વેક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D) નું હ્યુમન ક્લિનિકલ ટ્રાયલનું પહેલા તબક્કામાં સફળ પરિક્ષણ થયું છે. ZyCoV-Dના ફેઝ-1ના ક્લિનિકલ ટ્રાયલમાં સામે આવ્યું કે આ દવા સલામત છે અને બિમારીને સારી રીતે ટોલરેટ કરી શકે છે. કંપનીએ 15 જુલાઈથી કોરોના વેક્સિનનું માણસો પર ટ્રાયલ શરુ કર્યું હતું. કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ફેઝ-1ના સફળ પરિક્ષણ બાદ હવે બીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ 6 ઓગસ્ટથી શરુ કરવામાં આવ્યું છે. ફેઝ-2માં કંપની ભારતમાં તબક્કાવાર 1000 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ કરશે.