રાજયમાં હાલમાં સરેરાશ ૮૩.૫૯ ટકા વરસાદ થઇ ચુકયો , ૯૮ જળાશય હાઇ એલર્ટ
રાજયમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહીછે. બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમા તા.૨૧ થી ૨૭ ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના છે. દેને પગલે તા.૧૮ થી ૨૨ ઓગસ્ટ તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાજય સરકારની વેધરવોચ જુથની બેઠકમાં જણાવાયુ હતુ.
રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. જેમાં આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર, મોરબીમાં ભારે થી અતિભારે જ્યારે ખેડા, આણંદ અને દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તા.૧૮ થી ૨૨ ઓગસ્ટ તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલ દ્વારા તાકીદ કરવામાં આવી છે.
રાહત કમિશનર સાથેની મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ હતુ કે, મંગળવારે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી ૧૧૫ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૬૨ મીમી સુધી વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૬૨ મીમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી તા.૧૮ઓગષ્ટ ૨૦૨૦ અંતિત ૬૯૪.૬૩ મી.મી. વરસાદ નોંધાયેલો છે જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૮૩.૫૯% છે.
કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, ચાલુ વર્ષે તા.૧૮ ઓગષ્ટ ૨૦૨૦ સુધીમાં અંદાજીત ૮૦.૬૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૭૫.૫૧ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૪.૯૯% વાવેતર થવા પામ્યું છે. 0