રાજયમાં કોરોનાનો ગ્રોથ ઘટયો અને રીકવરી વધી તેવા સ્થિતીને લઇને ગુજરાતની કામગારીના WHOએ વખાણ કર્યા હતા.સાથે ગુજરાતે આયુષ દવાઓની કરેલી કામગીરીની પણ પ્રશંસા કરવામાં આવી છે. તેમ રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતુ.
રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં 83 હજારને પાર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં કોરોનાની કામગીરી અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા એક વેબીનાર યોજવામાં આવ્યો હતો. તે અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ, આરોગ્ય કમિશનરે એક પત્રકાર પરિષદ યોજી હતી. મીડિયા સાથે વાત કરતા જયંતિ રવિએ કહ્યું કે, ગુજરાત સરકારે કોરોના વાયરસ પર કરેલી કામગીરીને સમજવા માટે WHO દ્વારા એક વેબીનાર રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતે કેવી રીતે કામગીરી કરી તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જયંતિ રવિએ કહ્યું કે, ડબ્લ્યૂએચઓ દ્વારા ગુજરાતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે, વિશ્વના બીજા રાષ્ટ્રો ગુજરાતની કામગીરી સમજે તે જરૂરી હોવાની વાત પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરી છે. આ માટે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તો ગુજરાતે આયુષ દવાઓની કરેલી કામગીરીની પણ પ્રશંસા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ગુજરાતે ગેમ ચેન્જર કામગીરી કરી છે. આરોગ્ય સચિવે કહ્યું કે, રાજ્યમાં કોરોનાનો ગ્રોથ ઘટી ગયો છે અને રેકવરી રેટ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, માર્ચ-એપ્રિલમાં જે પડકારજનક પરિસ્થિતિ હતી તેમાંથી આપણે બહાર નિકળી ગયા છીએ. સરકારે કરેલા અથાગ પ્રયાસોથી આ શક્ય બન્યું છે.
આરોગ્ય અગ્ર સચિવે કહ્યું કે, રાજ્યમાં મૃત્યુદર 2.2 ટકા છે. રાજ્યમાં ટેસ્ટિંગ સામે 1/3 પોઝિટિવ રેટ આવી રહ્યો છે. પ્રતિ 10 લાખની વસ્તીએ ટેસ્ટ કરવામાં પણ ગુજરાત આગળ હોવાનો દાવો જયંતિ રવિએ કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 77 રિસર્ચ પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યાં છે. કોરોના પર રાજ્ય સરકાર દ્વારા 600 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. જયંતિ રવિએ સુરતની ટીમને પણ કામગીરી માટે અભિનંદન આપ્યા હતા.