રાજયમાં હવે તમે ખેડૂત ન હોય તો પણ તમે ખેતીની જમીનની ખરીદી કરી શકશો. ગુજરાત રાજ્યમાં હવે કૃષિ યુનિવર્સિટી, પશુપાલન, મેડિકલ સહિતની શિક્ષણ હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી જરૂરી નહિ રહે.કેબિનેટની બેઠકમાં જમીન માલિકી અંગે રાજ્ય સરકારે વધુ એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. શૈક્ષણિક હેતુ માટે ખરીદાયેલી જમીન બાદ એક મહિનાની અંદર કલેકટરને જાણ કરવી પડશે. રાજ્ય સરકારે ગણોતધારા (ganot dhara) માં સુધારો કર્યો છે. આ અગાઉ જમીન ખરીદવા માટે બિનખેતી ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેક્ટરની પૂર્વમંજૂરી લેવી પડતી હતી તેના કારણે વિલંબ થતો હતો. ખેતી વિષયક જમીન અગાઉ ખેડૂત ખાતેદાર જ ખરીદી શકતા હતા, પણ નવા સુધારા બાદ હવે શૈક્ષણિક હેતુ માટે કોઈપણ વ્યક્તિ જમીનની ખરીદી કરી શકશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બુધવારે મળેલી બેઠકમાં ગણોત કાયદાઓની જોગવાઇઓમાં સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે રાજ્યમાં કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે વિકાસની વ્યાપક તકો ખુલશે. એટલું જ નહિ રાજ્યમાં વધુ ઔદ્યોગિક મૂડી રોકાણો પણ આકર્ષિત કરી શકાશે. રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણય મુજબ સમગ્ર રાજ્યમાં હવે, કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી કે મંજૂરી નહિ લેવી પડે. આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે.