ચાઇનીઝ કંપની વીવો સાથે કરાર ખતમ કર્યા પછી આઈપીએલના 2020ના ટાઇટલ પ્રાયોજક માટે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન્ડિયા બીસીસીઆઈને સ્પોન્સર મળી ગયો છે. ઓનલાઇન ગેમીંગ પ્લેટફોર્મ ડ્રીમ ઇલેવન Dream-11 આઈપીએલની 13મી સિઝન માટે ટાઇટલ સ્પોન્સર રહેશે. આ રેસમાં ટાટા ગ્રૂપ સહિત મોટા નામ સામેલ હતા. જોકે ડ્રીમ ઇલેવને રૂ. 222 કરોડ રૂપિયાની બોલી લગાવીને અધિકાર મેળવી લીધા છે. ચીન સામેના વિરોધની વચ્ચે મોબાઇલ ઉત્પાદક વીવોને આઇપીએલના ટાઇટલ સ્પોન્સરમાંથી બાકાત રાખતાં ભારતીય કંપનીઓ બીડમાં જોડાઇ હતી.
આઈપીએલ અધ્યક્ષ બ્રિજેશ પટેલે કહ્યું કે ડ્રીમ 11એ રૂપિયા 222 કરોડ રૂપિયાની બોલી સાથે અધિકાર મેળવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટાટા સમૂહે અંતિમ બોલી લગાવી ન હતી. બાયજૂસ 201 કરોડ અને અનએકેડમી 170 કરોડ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે ડ્રીમ 11 પોતાને ફાઇનાન્શિયલ બીડના આધાર પર આઈપીએલ 2020ના મુખ્ય સ્પોન્સરના અધિકાર મેળવ્યા છે.