વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં નવી કર વ્યવસ્થાનો પ્રારંભ કરાવ્યો હતો. પીએમ મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મને ઓનલાઈન લોન્ચ કર્યું હતું જેમાં ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિનીનો પ્રારંભ કરાયો છે. ફેસલેસ ટેક્સ અપીલ સેવાનો ૨૫ સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. આ પ્લેટફોર્મ 21મી સદીની ટેક્સ સિસ્ટમની શરૂઆત છે. જેમાં ફેસલેસ અસેસમેન્ટ અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે. અત્રે જણાવવાનું કે આ નવા ટેક્સ પ્લેટફોર્મ હેઠળ કરદાતાને ફેસલેસ અસેસમેન્ટ, ટેક્સ પેયર્સ ચાર્ટર, ફેસલેસ અપીલની સુવિધા મળશે. આ સાથે જ હવે ટેક્સ ચૂકવવામાં સરળતા રહેશે. ટેક્નોલોજીની મદદથી લોકો પર ભરોસો વ્યક્ત કરી શકાશે. તેમ વડાપ્રધાને જણાવ્યું હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ કરદાતાઓને રાષ્ટ્રનિર્માણના યોગદાન માટે સમયસર ટેક્સ ભરવા પણ આહવાન કર્યું હતું. આવકવેરા વિભાગ ‘ટેક્સપેયર ચાર્ટરલ્લને અપનાવશે જે કરદાતા અને આવકવેરા કચેરી બન્નેના અધિકારો તેમજ જવાબદારીઓની રૂપરેખા નિર્ધારિત કરશે. વડાપ્રધાને પોતાના સંબોધમાં જણાવ્યું કે, દેશમાં ગુલામીકાળથી કર વ્યવસ્થા અમલમાં છે અને તેમાં સમયાંતરે ઓછાવત્તા બદલાવો થતા રહ્યા પરંતુ તેનું મૂળ માળખું જૂનું જ રહ્યું હતું અને વ્યવસ્થા જૂનવાણી ઢબે જ ચાલી રહી હતી.
આ માળખાને પગલે દેશના પ્રામાણિક કરદાતાઓ સાથે હંમેશા અન્યાય થતો રહ્યો. જો કે આ પ્લેટફોર્મથી હવે પ્રામાણિક કરદાતાઓને ન્યાય મળી શકશે તેમ પીએમે વધુમાં જણાવ્યું હતું. મોદીએ લોકોને સમયસર કર ચૂકવવા માટે પણ જણાવ્યું હતું. જેમ કરદાતા સાથે સમ્માનપૂર્વક વ્યવહાર કરવો તે કરવેરા અધિકારીની જવાબદારી છે તેમ પોતાનો બાકી કર આપવો તે કરદાતાની જવાબદારીમાં આવે છે.
ભારતમાં વર્તમાન સમયે કોર્પોરેટ ટેક્સનો દર સૌથી ઓછો છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, એક સમય હતો જ્યારે રિફોર્મની વાતો થતી હતી, દબાણમાં લેવાયેલા નિર્ણયને પણ રિફોર્મ કહેવાતા હતા. હવે આ વિચાર અને એપ્રોચ બદલાઈ ગયા છે. આપણા માટે રિફોર્મનો અર્થ એ છે કે તે નીતિ આધારિત હોય, ટુકડામાં ન હોય અને એક રિફોર્મ બીજા રિફોર્મનો આધાર બને. એવું પણ નથી કે એકવાર રિફોર્મ કરીને અટકી ગયા. ઈઝ ઓફ ડુઈંગમાં ઘણા વર્ષ પહેલા ૧૩૪માં નંબરે હતા, હવે ૬૩માં નંબરે આવી ગયા છીએ. તેની પાછળનું કારણ રિફોર્મ્સ છે.