રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુટીને મંગળવારે જાહેરાત કરી કે દેશમાં તૈયાર કરેલી કોરોના વાયરસની વેક્સીનને રશિયા હેલ્થ મિનિસ્ટ્રીની મંજૂરી મળી ગઈ છે. પુતિને જણાવ્યું કે આ વેક્સીનનો ડોઝ તેમની પુત્રીને પહેલા જ આપવામાં આવ્યો છે. જોકે તેમણે સ્પષ્ટ નથી કર્યું કે તેમણે પોતે વેક્સીન લીધી છે કે નહીં. આ સાથે જ રશિયાએ દાવો કર્યો છે કે દુનિયાના 20 દેશમાંથી રશિયાને આ વેક્સીનના એક અબજ ડોઝ બનાવવાનો ઑર્ડર પણ મળ્યો છે.
રશિયાના વડા પુટીને કહ્યું કે આ જાહેરાત પછી રશિયા પ્રથમ દેશ બની ગયો છે જેણે વેક્સીન બનાવવાનું કામ પુરું કર્યુ છે. મારી પુત્રીને વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો છે. શરૂમાં તેને હળવો તાવ હતો પણ હવે તે બિલકુલ ઠીક છે. તેમણે કહ્યું કે મારી પુત્રી ઠીક છે અને સારું અનુભવી રહી છે. તેણે પણ આ પરિક્ષણમાં ભાગ લીધો હતો.