ગાંધીનગર ખાતે ‘માઈન્ડ ટુ માર્કેટ-ડિફેન્સ ઇનોવેશન ચેલેન્જ’ સંદર્ભે વેબીનાર યોજાયો
આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા હાલમાં વિદેશની સોનાર-રડાર, આર્ટિલરી ગન, એસોલ્ટ રાઈફલ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર, બુલેટ પ્રુફ જેકેટ-હેલ્મેટ, ડ્રોન-એન્ટી ડ્રોન સિસ્ટમ જેવી ૧૦૧ જેટલી સુરક્ષા સંબંધિત સાધન સામગ્રીઓની આયાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતાં રાષ્ટ્રના સ્થાનિક ઉત્પાદકો માટે આ એક સુવર્ણ તક છે. અને તેમાંય યુવા ઉદ્યોગ સાહસિકો માટે નવીતકો ઉભરી રહી છે, અને તેને પગલે સ્માર્ટ ગુજરાત હેકેથોન થકી યુવાનો ઇનોવેશન પર ભાર મુકે તેમ યોજાયેલા વેબિનારમાં નિષ્ણાંતોએ મત વ્યકત કર્યો હતો.
રાજયના ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, સ્માર્ટ ગુજરાત હેકાથોન અંતર્ગત હવે વિદ્યાર્થીઓ ફેશિયલ રિકગનાઇજેશન, ફોરેંસીક ટુલ કીટ, ક્રિમિનલ આઇડેન્ટિફિકેશન સિસ્ટમના આધારે લોકેશન તેમજ અલગ અલગ સાયબર ગુનાઓમાં ગુનેગારોને પકડી લેવા તે દિશામાં નવતર સંશોધનો કરીને ગુજરાત પોલીસ અને રાજ્યની સુરક્ષા માટે મદદરૂપ થઈ શકે તેમ છે.
ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના અગ્ર સચિવ અંજુ શર્માએ કહ્યું હતું કે, રાજ્યની સુરક્ષામાં શિક્ષણના નવા અભિગમ દ્વારા આઈ-હબ વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, સંશોધકો અને કેટલાક ઇનોવેટર્સ પાસેથી ડિફેન્સને લગતા પ્રશ્નો મેળવીને તેનું સમાધાન આપવાનું કામ કરશે. શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રોના તમામ અધિકારીઓ અને તજજ્ઞો ડિફેન્સ મિકેનિઝમને વધુ મજબૂત બનાવવામાં તેમનું યોગદાન આપશે
આ વેબીનારમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, યુવાનોમાં રહેલ સ્કિલને સાચી દિશા આપીને ડિફેન્સ ક્ષેત્રે ઇનોવેશન કરવા ગુજરાતનો આ નવતર અભિગમ છે. વિશ્વમાં સૌથી વધુ ભારત પાસે યુવાધન છે ત્યારે, સંરક્ષણ ક્ષેત્રે સ્ટાર્ટઅપથી રાષ્ટ્રની સુરક્ષા વધુ સઘન બનાવવામાં યુવાઓનું યોગદાન અમૂલ્ય પુરવાર થશે. આ વેબીનારમાં હાયર એજ્યુકેશન કમિશ્નર નાગરાજન, ટેકનિકલ શિક્ષણના નિયામક જી.ડી પંડ્યા, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યા તથા સાયન્સ એન્ડ ટેક્નોલોજી ક્ષેત્રના અધિકારીઓ અને તજજ્ઞો સહભાગી થયા હતા.