રાજય સરકારે નાના ઊદ્યોગો-સ્ટાર્ટઅપ – સ્ટ્રીટ વેન્ડર્સને પૂન: બેઠા કરવા ખાસ સ્ટેમ્પ ડયુટી માફીની જાહેરાત કરી છે.જેમાં રૂ. 50 હજાર સુધીની લોન મેળવનારા નાના ઊદ્યોગો-સ્ટાર્ટઅપને 31 ઓકટોબર સુધી સ્ટેમ્પ ડયુટી ભરવાથી મુકિત આપવામાં આવી છે.જેને પગલે રાજયના 25 હજાર નાના ઉદ્યોગકારો-સ્ટાર્ટઅપને લાભ મળશે. રાજ્ય સરકાર નાના ઊદ્યોગકારો-સ્ટાર્ટઅપ અને બે લાખ સ્ટ્રીટ વેન્ડર્સના વ્યાપક હિતમાં કુલ રૂ 7.75 કરોડની સ્ટેમ્પ ડયુટી માફ કરશે અને તેની સાથે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અંતર્ગત રૂ. 10 હજાર સુધીની વર્કીંગ કેપિટલ લોન મેળવનારા બે લાખ સ્ટ્રીટ વેન્ડર્સની કુલ રૂ. 6 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડયુટી માફ કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતીમાંથી અર્થતંત્ર, વેપાર-ઊદ્યોગને પૂન: ધબકતા ચેતનવંતા કરવા જાહેર કરેલા કોવિડ-19 રાહત પેકેજ અંતર્ગત નાના અને સ્ટાર્ટઅપ ઊદ્યોગોને લોન પરની સ્ટેમ્પ ડયુટીમાં માફી આપવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર જે નાના ઊદ્યોગકારો તેમજ સ્ટાર્ટઅપ ઊદ્યોગોને રૂ. પ૦ હજાર સુધીની લોન મંજૂર થઇ હોય તેમને તા.૩૧ ઓકટોબર-ર૦ર૦ સુધી સ્ટેમ્પ ડયુટીમાંથી મુકિત મળશે.
એટલું જ નહિ, રાજય સરકાર દ્વારા એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યના શહેરી શેરી ફેરિયાઓ પોતાનો વ્યવસાય ફરી શરૂ કરી પગભર થાય તે માટેની પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ અન્વયે રૂ. ૧૦ હજાર લોન મેળવનારા રાજ્યના આશરે બે લાખ જેટલા લાભાર્થીને પણ સ્ટેમ્પ ડયુટીમાંથી મુકિત અપાશે. આવા બે લાખ જેટલા શેરી ફેરિયા સ્ટ્રીટ વેન્ડર્સને રૂ. ૧૦ હજારની વર્કીંગ કેપિટલ લોન સામે રૂ. ૩૦૦ની સ્ટેમ્પ ડયુટી ભરવાની થાય છે. આ સ્ટેમ્પ ડયુટીની સમગ્રતયા કુલ રૂ. ૬ કરોડની રકમ રાજ્ય સરકારે માફ કરવાનો નિર્ણય કર્યો છે.