કોરોનાને પગલે દેશભરમાં લાંબા સમયથી ફિલ્મો અને ટેલીવિઝનનું શૂટિંગ અટકી ગયું હતું. અનેક ફિલ્મ મેકર્સ શૂટિંગ પૂરું કરવા વિદેશ જવાનું વિચારી રહ્યા હતા. આ દરમિયાન રવિવારે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ફિલ્મો અને ટીવી શોના શુટિંગને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલન સાથે મંજૂરી આપવાનુ જણાવ્યું હતુ.
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયા અને ફિલ્મ પ્રોડક્શન ઈન્ડસ્ટ્રી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર SOP ની જાહેરાત કરી. જાવડેકરે કહ્યું, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શુટિંગ માટે માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે. જે લોકો માત્ર કેમેરા સામે છે કે જેમનું શૂટિંગ ચાલું છે તેમને છૂટ આપવામાં આવશે.
મંત્રી જાવડેકરે જણાવ્યુ હતુ કે, ઓછામાં ઓછો સંપર્ક એસઓપીનો મૂળ હેતુ છે. શુટિંગ દરમિયાન વિગ્સ, કપડાં, મેકઅપ આઈટમની ઓછામાં ઓછી અદલા-બદલી થાય, મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાયલિશ પીપીઈ કિટનો ઉપયોગ કરે તે ધ્યાનમાં રાખવું પડશે. શુટિંગ દરમિયાન ઓછામાં ઓછા કાસ્ટ અને ક્રૂ મેમ્બર હોવા જોઈએ. જો કોઈ ઈક્વિપમેન્ટનો અનેક લોકો ઉપયોગ કરતાં હોય તો તેના માટે ગ્લવસ લગાવવા પણ જરૂરી છે.