જાન્યુઆરી 2024 ઃ જાન્વી પ્રોડક્શન્સ અને ગાયત્રી પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ”ઇટ્ટા કિટ્ટા” તા. 19મી જાન્યુઆરીના રોજ ગુજરાતભર અને મુંબઇમાં રીલિઝ થઇ છે. બાળક દત્તક લેવાના વિષયને ખૂબ જ ઊંડાણપૂર્વક રજૂ કરતી આ ફિલ્મ દર્શકોને ભાવુક બનાવી દે છે. અનાથ બાળકોને દત્તક લીધા બાદ યુગલના જીવનમાં આવતા પરિવર્તનની વાતને ખૂબ જ ઇમોશન સાથે આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
ફિલ્મની વાર્તા આ પ્રમાણે છે. પરિણીત યુગલ મિ. એન્ડ મિસીસ જરીવાલાને જ્યારે ખબર પડે છે કે મિસીસ જરીવાલા (માનસી પારેખ)ના માતા બનવાના માત્ર 2% જ ચાન્સ છે, ત્યારે આ દંપતિ બાળક દત્તક લેવાનું નક્કી કરે છે. ઓનલાઇન ફોર્મ ભરતી વખતે મિસીસ જરીવાલાથી ટીકમાર્કમાં ભૂલ થાય છે જેથી અનાથ આશ્રમમાંથી તેમને બે બાળકીઓ (ખુશી અને વિધી) દત્તક લેવા માટે જણાવવામાં આવે છે. આમ તો તેઓએ એક જ બાળકી દત્તક લેવાનો વિચાર કર્યો હતો પણ કુદરતની આ જ મરજી હશે કે એકના બદલે બે બાળકીઓનું જીવન બનાવવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું એમ માનીને તેઓ બંને બાળકીઓ (બે સગી બહેનો)ને દત્તક લે છે. પ્રથમ ચાર મહિના ટ્રાયલ પીરિયડ તરીકે હોય છે, ત્યારબાદ બાળકોની મંજૂરીથી કોર્ટ આ દંપતિને બાળકોની લીગલ કસ્ટડી સોંપી શકે, અથવા દંપતિને પણ ન ફાવે તો તે બાળકોને અનાથ આશ્રમમાં પરત મૂકી શકે.
ચાર મહિનામાં પેરેન્ટ્સ તરીકેની પોતાની જવાબદારી અને ભૂમિકા જરીવાલા દંપતિ ખૂબ જ નિષ્ઠાથી નિભાવે છે, ઉપરાંત અલ્પના બુચ (રોનકની માતાની ભૂમિકામાં) પણ બાળકોની દાદી બાળકોને ખૂબ લાડ લડાવે છે. આખરે એ ઘડી આવે છે જ્યારે કોર્ટમાં બાળકોની લીગલ કસ્ટડી જરીવાલા દંપતિને સોંપવા માટે ચૂકાદો આપવાનો હોય છે, જેમાં ખુશી (6 વર્ષ) જજને કહે છે, તે જરીવાલા દંપતિને માતા-પિતા તરીકે સ્વીકારે છે અને તેમની સાથે જીવનભર રહેવા તૈયાર છે, પરંતુ વિધી (13 વર્ષ) તેઓને પોતાના માતા-પિતા તરીકે સ્વીકારવાની ના પાડે છે તેથી કોર્ટ બંને બાળકીઓને અનાથઆશ્રમને પરત સોંપે છે.
વિધી શા માટે મિ. એન્ડ મિસીસ જરીવાલાએ તેઓની આટલી સારી કેર લીધી હોવા છતાં પણ તેમની સાથે રહેવાની ના પાડે છે તે તો ફિલ્મ જોઇને જ ખ્યાલ આવશે. યંગ માતા-પિતાના પાત્રોમાં માનસી-રોનકે ઉમદા અભિનયથી ચાર ચાંદ લગાવી દીધા. રોનકની માતાના પાત્રમાં અલ્પના બૂચનો અભિનય નોંધપાત્ર છે. અનાથ બાળકીઓનું પાત્ર ભજવનાર ખુશી (પ્રિન્સી પ્રજાપતિ) અને વિધી (જિયા વૈદ્ય) આ ફિલ્મના સેન્ટરમાં છે. બંને બાળકલાકારોએ પોતાનું શ્રેષ્ઠમાંથી પણ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપ્યું છે. અનાથ આશ્રમના સંચાલકની ભૂમિકામાં પ્રશાંત બારોટ જોવા મળે છે.
ફિલ્મ 19મી જાન્યુઆરીએ નજીકના સિનેમાઘરોમાં રજૂ થઇ ચૂકી છે. હૃદયને રડાવતી, આંખોને ભીંજવતી, એક અનોખી સ્ટોરી ”ઇટ્ટા કિટ્ટા” કમ્પલ્સરી જોવા જેવી ફિલ્મ છે.
ફિલ્મની વાર્તા લખી છે અંતિમા પવાર અને અઝહર સૈયદે. ગીત – ભાર્ગવ પુરોહિત, સંગીત – કેદાર એન્ડ ભાર્ગવ, ગાયક – કિર્તિદાન ગઢવી, જિગરદાન ગઢવી, ઐશ્વર્યા મજમુદાર, દિગ્દર્શક – અભિન્ન શર્મા, મંથન પુરોહિત, નિર્માતા – પંકજ કેશરુવાલા, વિકાસ અગ્રવાલ.
”ઇટ્ટા કિટ્ટા” – લાગણીઓના તાંતણે સંબંધોને જોડતી એક અનોખી પારિવારિક ફિલ્મ.
ન્યૂઝ આસપાસ તરફથી ”ઇટ્ટા કિટ્ટા”ને પાંચમાંથી 3.5 સ્ટાર.