ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત છે અને ચાઈલ્ડ એબ્યુઝના મુદ્દાને પ્રકાશિત કરે છે.
3જી મે એ રિલીઝ થયેલી ફિલ્મ “જગત” રહસ્યથી ભરપૂર છે. 12 વર્ષનો આયુષ નિશાળેથી પરત ન ફરતા તેની માતા શાળાએ તપાસ કરે છે અને જાણવા મળે છે કે આયુષ સવારથી શાળાએ પહોંચ્યો જ નથી. આયૂષની માતા અને નાના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવે છે અને આ કેસ પીએસઆઇ જગત (યશ સોની) અને ભટ્ટ સાહેબ (ચેતન દૈયા) પાસે આવે છે. આયૂષની શોધખોળ દરમ્યાન ફિલ્મમાં એક પછી એક ટવીસ્ટ આવતા રહે છે. રહસ્ય પરથી પડદો ઉઠવાને બદલે રહસ્ય વધુ ને વધુ ઘુંટાતું જાય છે. જગત આ કેસમાં એટલો ઊંડો ઉતરી જાય છે કે તે આ કોયડું ઉકેલવા દિવસ-રાત એક કરી નાખે છે, આખરે ગુનેગાર ઝડપાય છે જે એક સાઈકો છે.
ફિલ્મની વાર્તા શરૂઆતથી અંત સુધી પ્રેક્ષકોને ઝકડી રાખવામાં સફળ થઇ છે. ફિલ્મના જે પાત્ર પર શંકા જાય તે પાત્ર આખરે નિર્દોષ નીકળે એટલે અસલી ગુનેગાર કોણ હશે એ અનુમાન લગાડવું ખુબ જ કઠિન છે. ફિલ્મ રહસ્યથી ભરપૂર છે અને ચાઈલ્ડ એબ્યુઝના મુદ્દાને પ્રકાશિત કરે છે.
ફિલ્મની સ્ટોરી લખી છે હર્ષિલ ભટ્ટ અને ઉલ્લેખનીય છે કે દિગ્દર્શન પણ હર્ષિલ ભટ્ટ દ્વારા જ કરવામાં આવ્યું છે. ડિરેક્ટર તરીકે હર્ષિલ ભટ્ટની આ પ્રથમ ફિલ્મ છે પણ તેમનું ડિરેક્શન પ્રશંસનીય છે. ફિલ્મના મુખ્ય પાત્રોમાં યશ સોની, ચેતન દૈયા, રિદ્ધિ યાદવ જોવા મળે છે. ફિલ્મનું નિર્માણ કર્યું છે નિલય ચોટાઈ, દીપેન પટેલ અને કૃષ્ણદેવ યાજ્ઞિકે. . ફિલ્મનું મ્યુઝિક થ્રિલથી ભરપૂર છે. ફિલ્મની લંબાઈ 2 કલાક અને 21 મિનિટની છે. પોલીસના કેરેક્ટરમાં યશ સોની અને ચેતન દૈયા બંને જામે છે. ગંભીર પોલીસના પાત્રમાં યશ સોનીને તેના ચાહકો ચોક્કસથી પસંદ કરશે. “ડેની જીગર”માં એનેર્જેટીક કોપની ભૂમિકામાં ચાહકોનું હૃદય જીતનાર યશે “જગત” ફિલ્મમાં ગંભીર પીએસઆઇના પાત્રને પણ પૂરો ન્યાય આપ્યો છે તે યશની વર્સેટાઈલ એક્ટર તરીકેની ઇમેજને વધુ મજબૂત કરે છે.
ન્યુઝ આસપાસ તરફથી ફિલ્મને 5 માંથી 3.5 સ્ટાર.