અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ ને 20,000ની બે ઓક્સિજન ટેન્ક, આઇસોલેશન વોર્ડ, PPE કિટ, વેન્ટિલેટરની વ્યવસ્થા તૈયાર
ગુજરાતની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે તો ઓક્સિજન ટેન્ક, પીપીઇ કીટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. તો રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઉભો કરાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ તો સુરત સિવિલમાં જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી કરાઈ છે.
1200 બેડની હોસ્પિટલ, 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક અમદાવાદમાં કોરોનાના 7 કેસ આવ્યા છે જેને લઈને તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર છે. ઓક્સિજનની જરૂર ઊભી થાય તો 20,000 લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
કોરોના સામે લડવા સિવિલ સજ્જ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાના 7 કેસ આવ્યા છે પરંતુ તમામ દર્દીઓ ઘરે જ છે. કોઈપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી નથી. સિવિલ હોસ્પિટલમાં જો કોઈ કેસ આવે તો હોસ્પિટલ દર્દીની સારવાર માટે સજ્જ છે. 1200 બેડની હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજન સાથેના છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 20,000 લિટરની ઓક્સિજન ટેન્ક પણ આવેલી છે. તમામ દવાઓનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં છે. અગાઉ જ્યારે કોરોના વાયરસ હતો ત્યારે પણ સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ દર્દીઓની સારવાર યોગ્ય રીતે કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી કોરોના આવ્યો છે ત્યારે દર્દી આવે તેને યોગ્ય સારવાર મળી રહેશે. લોકોએ કોરોનાથી અગાઉની જેમ સાવચેતી રાખવાની છે.