ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ જી.એસ.ટી.માં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી

અમદાવાદ, 2025 : ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, જેમાં 500થી વધુ સભ્યો જોડાયેલા છે, કેન્દ્ર સરકાર સમક્ષ “મેક ઈન ઈન્ડિયા”ને પ્રોત્સાહન આપવા માટે ડિટર્જન્ટ અને સોપ ઈન્ડસ્ટ્રીને જરૂરી નીતિગત રાહતો આપવા વિનંતી કરી છે. નરેશ જૈન, ચેરમેન, ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ “ભારતમાં ડિટર્જન્ટ ઉદ્યોગનું વાર્ષિક વળતર અંદાજે ₹40,000 કરોડ છે અને તે દર વર્ષે 7%ની દરે વૃદ્ધિ કરી રહ્યો છે. ભારત વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજારોમાંનું એક છે, તેથી આ સેક્ટર ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન હેઠળ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે.”

હાલમાં ઉદ્યોગ સામે ઘણા ગંભીર પડકારો છે, જેમાં ખાસ કરીને ઉચ્ચ GST દરો અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરનાં કારણે MSME ઉત્પાદકોને વર્કિંગ કેપિટલ તથા સ્પર્ધાત્મકતામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. હાલ HSN 3401 (સાબુ અને ઓર્ગેનિક સર્ફેસ એક્ટિવ પ્રોડક્ટ્સ) તથા HSN 3402 (ડિટર્જન્ટ પાવડર, કેક, લિક્વિડ વગેરે) પર 18% GST લાગુ છે. સાથે સાથે, કાચા માલ જેમ કે LAB, ફેટી આલ્કોહોલ્સ, સર્ફેક્ટન્ટ્સ અને પેકેજિંગ મટિરિયલ પર ઊંચા આયાત શુલ્ક લાગવાના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. વધુમાં, વિવિધ નિયામક નિયમોના કારણે MSME યુનિટોને વધારાના પાલન ખર્ચ તથા વિલંબનો સામનો કરવો પડે છે. આ અંગે ચર્ચા- વિચારણા કરવા માટે એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં નરેશ જૈન, ચેરમેન, ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન એ કેટલીક વાતો રજૂ કરી.

એસોસિએશનનું માનવું છે કે જો GST દર 18%થી ઘટાડીને 5% કરવામાં આવે તો ઉદ્યોગ રૂ. 1,00,000 કરોડ સુધી વિસ્તરી શકે છે. આ પગલાથી ભારતીય બનાવટના ગુણવત્તાયુક્ત ડિટર્જન્ટ ગ્રામ્ય બજારો સુધી પહોંચી શકશે, MSME ઉત્પાદકો વધુ ઈકોફ્રેન્ડલી ફોર્મ્યુલેશન્સ આપી શકશે, ગુજરાત જેવા રાજ્યોમાં MSME દ્વારા રોજગારની તકો વધશે અને ઉદ્યોગની વૃદ્ધિ દર (CAGR) હાલના 7%થી વધીને 10%થી વધુ થઈ શકશે.

એસોસિએશને પોતાની માંગણીઓ રજૂ કરતાં જણાવ્યું છે કે HSN 3401 અને HSN 3402 પ્રોડક્ટ્સ પર GST દર 5% કરવો જોઈએ, MSME માટે વિશેષ સબસિડી તથા વર્કિંગ કેપિટલ સપોર્ટ આપવો જોઈએ, RoDTEP/SEZ યોજનાઓ હેઠળ વધુ રિબેટ્સ આપી નિકાસ પ્રોત્સાહન કરવું જોઈએ તથા લાઇસન્સિંગ માટે સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ દ્વારા રેડ ટેપ દૂર કરવો જોઈએ.

યોગ્ય નીતિ આધારથી આ ઉદ્યોગ રૂ. 1,00,000 કરોડનું ટર્નઓવર પાર કરી શકે છે, મોટા પાયે રોજગાર ઊભો કરી શકે છે, દરેક ઘર સુધી સસ્તા અને પર્યાવરણમિત્ર સ્વચ્છતા ઉત્પાદનો પહોંચાડી શકે છે અને ભારતને વૈશ્વિક સ્તરે અગત્યના હાઇજીન પ્રોડક્ટ એક્સપોર્ટરમાં મજબૂત સ્થાન અપાવી શકે છે. એસોસિએશને સરકારને આ મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ માટે જરૂરી રાહતો આપવા અપીલ કરી છે જેથી રાષ્ટ્રીય અર્થતંત્ર અને સામાજિક વિકાસના લક્ષ્યોને સફળ બનાવવા વધુ અસરકારક યોગદાન આપી શકાય.