મૂળ બારડોલીના વતની અને હાલ યુએસએમાં સ્થાયી મહિલા નયના ”નેન્સી” પટેલ 2020-2021 યુએસએના એલપીએસના પ્રેસિડેન્ટ છે.
કોઇપણ ઘરમાં મહિલાનું કાર્ય મુખ્ય હોય છે, તેણી દરેક સંબંધને સારી રીતે સંભાળે છે અને સાથે સાથે બિઝનેસ, કરિયર, ફેમિલી અને બાળકોની પણ પૂરતી કાળજી લે છે. માટે જ સ્ત્રી એક શક્તિ છે. આ વાતને સાર્થક કરે છે.
નયના ”નેન્સી” પટેલ યુએસએ એસોશિએશનના એલપીએસ (લેઉઆ પાટીદાર સમાજ)ના પ્રથમ મહિલા લીડર બન્યા છે. જેઓ જૂલાઇ 2009થી અત્યાર સુધી એસોશિએશન સાથે સંકળાયેલા છે. તેમણે 6 નેશનલ કન્વેન્શન્સ અને 4 સુપર રિજનલ કોન્ફરન્સીસનું સંચાલન કરતાં એસોશિએશનના દરેક ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે.
પોતાની આ સિદ્ધી વિશે જણાવતાં યુએસએના એલપીએસના પ્રેસિડેન્ટ નયના ”નેન્સી” પટેલે જણાવ્યું કે, ”યુએસએમાં ભારતીય મહિલાઓ હવે ફક્ત હાઉસવાઇફ જ નથી રહી પરંતુ ઘણાં ઉચ્ચ સ્થાનોએ પહોંચી છે. હું આ સિદ્ધિ મેળવીને ઘણો આનંદ અનુભવું છું અને આનાથી હું સમાજને આગળ લઇ જઇ શકીશ અને પેઢીઓ વચ્ચેના અંતરને પણ દૂર કરી શકીશ. આપણાં વારસા અને સંસ્કૃતિને પણ જીવંત રાખવાનો પૂરતો પ્રયત્ન કરીશ.”
નયના ”નેન્સી” પટેલે શરુઆતના વર્ષોમાં એલપીએસ માટે ઘણી વુમન કોન્ફરન્સીસ અને વુમન બ્રાન્ડ એમ્બેસેડર પ્રોગ્રામ પ્લેટફોર્મનું સંચાલન કર્યું છે. ભારતીય સ્ત્રી માટે 90 ટકાથી વધુ પુરુષ પ્રભાવશાળી સંગઠનમાં રહેવું સરળ નથી પરંતુ નયના ”નેન્સી” પટેલે સાર્થક કરી બતાવ્યું છે કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે એસોશિએશનના પ્રેસિડેન્ટ તરીકે કાર્ય કરવું ઘણું પડકારજનક રહેશે. આપણે ના ફક્ત કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યાં છીએ પરંતુ આપણે કેટલાંક સાંસ્કૃતિક મુદ્દાઓનો પણ સામનો કરી રહ્યાં છીએ. અમે આગળ વધતા આ પડકારોમાંથી કેટલાક પડકારોને દૂર કરવા અને આપણા સમુદાય, આરોગ્ય, સુખ અને સંબંધોને આગળ વધારવા માટેના મુખ્ય સિદ્ધાંતો સાથેની યોજના બનાવી રહ્યાં છીએ.