રાજયમાં મહેસુલી કામગીરીમાં સરળતા લાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જમીન તકરારી નોંધની સુનાવણી સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પહેલા આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો 1972-108 અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી.
હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપીલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાની રહેશે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું છે. આ જાહેરનામું આખરી થયા બાદ રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ કરાશે. મુખ્યમંત્રી રુપાણીના આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે હક્કપત્રક એટલે ગામ નમુના નં.૬ જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૧ પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય (પ્રમાણિત અથવા નામંજુર) કરવાની સત્તા નાયબ મામલતદારની છે. ઘણી બધી વખત જૂદા જૂદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે.