નલ સે જલ’ મિશનમાં અગ્રેસરતા માટે ગુજરાત સરકાર દ્વારા ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી-સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો 31 ડિસેમ્બર સુધીમાં માત્ર 500 રૂપિયાની નજીવી ફી લઇ રેગ્યુલરાઇઝ કરી અપાશે. નગરો-મહાનગરોમાં ખાનગી ઝૂંપડપટ્ટીને પાણીના જોડાણોની માંગણી થયેથી નિયમાનુસાર ધોરણે કનેક્શન આપી દેવાશે. મુખ્યમંત્રીએ આ વિશે આઠ મહાનગરો-રિજીયોનલ મ્યુનિસિપાલીટીઝ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી સાથે રોજબરોજના કામો-વિકાસકામોને પણ પ્રાધાન્ય આપવા સૂચના આપી છે. સાથે જ રોડ-રસ્તા રિપેરીંગ-નવિનીકરણના કામો દિવાળી પહેલાં પૂર્ણ કરવા ડિટેઇલ પ્લાનીંગ કરવા કહ્યું છે. રિયુઝ ઓફ ટ્રિટેડ વોટરનો નગરો-મહાનગરોમાં મહત્તમ ઉપયોગ કરવા જણાવાયુ છે.
નલ સે જલ’ મિશનમાં ગુજરાતની અગ્રેસરતા માટે બે ક્રાંતિકારી નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના નગરો-મહાનગરોમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભુતિયા-ગેરકાયદે જોડાણો 31 ડિસેમ્બર 2020 સુધીમાં માત્ર રૂ. પ૦૦ની નજીવી ફી લઇને નિયમીત-રેગ્યુલરાઇઝડ કરી આપવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સૂચવ્યું છે. એટલું જ નહિ, તેમણે એવો પણ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, નગરો-શહેરો-મહાનગરોમાં ખાનગી ઝૂંપડપટ્ટીઓને પાણીના જોડાણોની માંગણી થવાથી નિયમાનુસાર ધોરણે નળ જોડાણ-કનેકશન આપી દેવાશે.
વિજય રૂપાણીએ રાજ્યના 8 મહાનગરો તથા રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજીને ‘નલ સે જલ’ મિશનની કામગીરી, રોડ-રસ્તા રિપેરીંગ, કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ નાગરિક સુવિધા-સુખાકારીના કામોની સમીક્ષા કરી હતી.
આ સાથે જ તેઓએ બેઠકમાં કહ્યું હતું કે કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીની સાથે હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ડે-ટુ-ડે રોજબરોજના વહિવટી કામોનો નિકાલ તેમજ વિકાસ કામોને પણ અગ્રતા આપી સ્થિતી પૂર્વવત થવા માંડી છે તેવી જનઅનુભૂતિ નાગરિકો-શહેરીજનોને કરાવવી જોઇએ. સારા માર્ગો-રસ્તાઓ ગુજરાતની ઓળખ છે ત્યારે વર્ષારૂતુમાં વરસાદને કારણે રોડ-રસ્તાને જે નાનુ-મોટું નુકશાન થયું હોય તે માટે રિપેરીંગ-રિસરફેસીંગની તૈયારીઓ માસ્ટર પ્લાન સાથે કરી દેવાય અને ઊઘાડ નીકળતાં જ તે દુરસ્તી કામો હાથ ધરાય તેવી સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આગામી દિવાળી પહેલાં આવા તમામ માર્ગો રસ્તાઓ પૂર્વવત બને તે માટેની કાર્યવાહીની પણ તેઓએ તાકીદ કરી હતી.