ગુજરાતને જળ માટે આત્મનિર્ભર અને વોટર સરપ્લસ સ્ટેટ બનવા માટે આધુનિક તકનીક સાથે ભાડભુત યોજના વર્લ્ડ ક્લાસ આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને વિશ્વના વોટર પ્રોજેક્ટ નકશે પ્રસ્થાપિત કરશે તેમ પ્રોજેકટને લોંચ કરતાં રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતુ . આ પ્રોજેકટમાં રૂ 5300 કરોડનુ રોકાણ થશે,
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે નર્મદાના કિનારે વસેલા ભરૂચ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં આ ભાડભૂત યોજના મીઠા પાણી પહોચાડવા સાથે ખારાશ આગળ વધતી અટકાવવા અને સિંચાઇ તેમજ ઉદ્યોગોને પણ પૂરતું પાણી આપવામાં ઉપકારક બનવાની છે.
૨૧ હજાર એમ.સી.એફ.ટી પાણી આ યોજનાથી મળતું થશે અને હજીરા દહેજ વચ્ચે ૬ લેન બ્રિજ બનતા ૧૮ કી.મી અંતર ઘટશે. એટલું જ નહિ, ફીશિંગની પણ અલગ ચેનલ ઊભી થતાં માછીમારીને પણ વેગ મળશે તેમ પણ ભરૂચ જિલ્લાને આ યોજનાના શુભારંભ પ્રસંગે આપતા ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ નર્મદા પરિક્રમાની મહત્તા વર્ણવતા એમ પણ જણાવ્યું કે આ ભાડભૂત યોજના સાકાર થતાં પરિક્રમા રૂટ પરના સ્થળોના કાંઠા ઘસાતા પણ રોકાશે. ભરૂચ વિસ્તારની પાણીની લાંબા સમયની સમસ્યાનો સુખદ નિવેડો આ યોજનાથી આવે તે માટે કલ્પસર વિભાગ સમયબદ્ધ રીતે આગળ વધીને આ યોજના વેળાએ પૂર્ણ કરશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભરૂચ અને અંકલેશ્વર સહિતના વિસ્તારો નર્મદાના કિનારે હોવા છતાં વર્ષોથી મીઠા પાણીનો અભાવ વેઠી રહ્યા હતા તેનો હવે અંત આવશે તેમ આ યોજનાના ઇ લોંન્ચીંગ સમયે જણાવ્યું હતું.