કેટલાક દિવસોથી રાજસ્થાનમા રાજકીય તડજોડ જોવા મળી રહી છે. ત્યારે રાજસ્થાન ભાજપના છ જેટલા ધારાસભ્યોને ગુજરાત લાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. રાજસ્થાનના આ તમામ ધારાસભ્યોને ખાસ પ્લેન મારફતે જયપુરથી રવાના કરવામાં આવ્યા છે. રાજસ્થાનના 6 ધારાસભ્યો પોરબંદર એરપોર્ટ પહોંચ્યા છે અને ત્યાંથી સોમનાથ મંદિરે દર્શનાર્થે જવાના છે. 14જેટલા ઘારાસભ્યો ગુજરાતમાં આવ્યા હોવાનુ જાણકાર સુત્રોએ જણાવ્યુ હતુ.
આ અંગે ધારાસભ્ય નિર્મલ કુમાવતે જણાવ્યું છેકે, રાજસ્થાનમાં અનેક રાજકીય ગતિવીધિઓ થઇ રહી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત પાસે બહુમતી નથી અને તેમની સરકાર ભાજપના ધારાસભ્યોને માનસિક ત્રાસ આપી રહી છે. આવા સંજોગોમાં અમારા છ ધારાસભ્યો અહીં આવ્યા છે અને હવે સોમનાથ મંદિરે જવાના છે. આ ધારાસભ્યો સાસણ, સોમનાથ અથવા જુનાગઢમાં રોકાણ કરે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી મુજબ સોમનાથમાં 6 રૂમ બુક કરવામાં આવ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.છેલ્લા કેટલાય સમયથી રાજસ્થાનના રાજકારણમાં ગતિવીધી વધી રહી છે. સચીન પાયલોટે પોતાના જ પક્ષ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. આવામાં ફરીથી રાજસ્થાનમાં રાજકારણમા ગુજરાતનો મોટો રોલ સામે આવ્યો છે. ત્યારે રાજસ્થાનના ભાજપ સમર્થક ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે