દેશભરમાં કોરોના મહામારીના વ્યાપક ફેલાવો છે, તેવાસમયે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા NEET અને JEE ની પરીક્ષા લેવાના મનસ્વી નિર્ણય સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સીટી અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, સત્તાધારી ભાજપ પક્ષના નેતાઓ જાહેરમાં રેલીઓ કરે, ગરબા રમે પરંતુ ગાંધી ચિંધ્યા માર્ગે લાખો વિદ્યાર્થીઓના હિતમાં માંગણી કરી રહેલા NSUI, કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે.
અમીત ચાવડાએ જણાવ્યુ હતું કે, “૬ મહિનાથી સંસદ બંધ છે, કોર્ટ કેસની સુનવણી ઓનલાઈન કરી રહી છે, ટ્રેન અને પ્લેનની સેવાઓ પર અંકુશ -રોક છે આવા સમયે કેન્દ્ર સરકાર NEET, JEE ની પરીક્ષા લઈને લાખો વિદ્યાર્થીઓ, તેમના પરિવારજનો અને સંલગ્ન સ્ટાફના જીવ સાથે કેમ રમત કરી રહી છે? દેશમાં કોરોના-COVID 19 ના ૫૦૦ કેસ આવ્યા હતા ત્યારે સરકારે શાળા- કોલેજો બંધ કરાવી હતી અને પરીક્ષાઓ રદ્દ કરી હતી, જયારે આજે દેશમાં કોરોના- COVID 19 ના ૩૩ લાખ કરતા વધારે કેસો આવી ચુક્યા છે, મહામારીમાં કોરોના સંક્રમિતો ટપોટપ જીવ ગુમાવી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર JEE તથા NEET ની પરીક્ષા લેવા માટે જીદે ચડી છે.
દેશભરમાંથી વિદ્યાર્થીઓ- વાલીઓ આવા સંજોગોમાં પરીક્ષા લેવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે, દેશના ૭ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત અને વિનંતી કરવામાં આવી છે, સુપ્રિમ કોર્ટમાં આ નિર્ણય સામે અરજી કરવામાં આવી છે તેમ છતાં કેન્દ્રની ભાજપ સરકાર કોઈની વાત માનવા તથા વ્યવહારિક દ્રષ્ટિકોણથી સમજવા તૈયાર નથી.”
અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “ગુજરાત રાજ્યમાં NEET માટે ૮૦ હજાર તથા JEE માટે ૩૮ હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશભરમાં ૨૬ લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ, તેમની સાથે પરીક્ષા સ્થળે આવનારા વાલીઓ- પરિવારજનને કોરોના સંક્રમણનું જોખમ ઉભું થઇ શકે છે. આ ઉપરાંત તેમના ૧૦૦-૧૫૦ કિમીના ટ્રાન્સપોર્ટેશન, રહેવા- જમવાની વ્યવસ્થાના અભાવનો પ્રશ્ન છે ત્યારે આવા કપરા સંજોગોમાં કેન્દ્ર સરકાર જિદ્દ છોડી વિદ્યાર્થીઓ ની વાત સાંભળે.