સાંસદોના વેતનમાં ઘટાડા સંબંધિત બિલ મંગળવારે લોકસભામાં પાસ થઈ ગયું છે. સાંસદ વેતન, ભથ્થા અને પેન્શન (સંશોધન) બિલ, 2020નું મોટાભાગના સાંસદોએ સમર્થન કર્યું હતું. બધા સાંસદોના વેતનમાં એક વર્ષ માટે 30 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ સિવાય સાંસદ નિધિ પણ 2 વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સરકારે આ નિર્મય કોવિડ-19 મહામારીને કારણે ઊભી થયેલી સ્થિતિનો મુકાબલો કરવા માટે લીધો છે.
લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન મોટા ભાગના સાંસદોએ સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું હતું, પરંતુ સાથે તેમની માગ રહી કે સરકાર સાંસદ નિધિને સ્થગિત ન કરે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યુ કે, સરકાર અમારો બધો પગાર લઈ લે, કોઈપણ સાંસદ તેનો વિરોધ નહીં કરે. પરંતુ સાંસદ નિધિ મળવી જોઈએ, જેના હેઠળ અમે લોકોના ફાયદા માટે કામ કરી શકીએ.