સુરત (Surat) ના હજીરામાં આવેલા ONGCના પ્લાન્ટમાં બોમ્બે હાઈથી આવતી મેઈન પાઈપલાઈનમાં લીકેજ (Gas Leakage) ના કારણે વહેલી સવારે એકપછી એક 3 વિસ્ફોટ બાદ આગ(Fire) ફાટી નીકળી. ધડાકાના કારણે આજુબાજુના ઘરોના કાચ પણ તૂટી ગયા અને લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા. ફાયરીની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે, ઓએનજીસી દ્વારા સવારે ટ્વીટ કરીને જાણ કરવામા આવી કે, આગ કાબૂમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત માહિતી મુજબ હજીરા ખાતે આવેલા ONGCના પ્લાન્ટમાં મુંબઈથી આવતી મુખ્ય ગેસ પાઈપ લાઈનમાં ગેસ લીકેજના કારણે આ આગ લાગી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે 5-6 કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાની શક્યતા છે. સુરતના જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ ONGC ટર્મિનલની બાજુમાં ગેસ લીકેજ થતા આગ લાગી. સવારે 3.05 વાગે લીકેજના કારણે ધડાકા થયા. હાઈડ્રો કાર્બન ગેસ લીકેજ થતા આ ધડાકા થયા. જે પાઈપલાઈનમાં લીકેજના કારણે ધડાકા બાદ આગ ફાટી નીકળી તે મુંબઈ હાઈ લાઈન હાલ બંધ કરી દેવાઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇવેના રસ્તાઓ બંધ કરાયા હતા. દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ઓએનજીસી ઓથોરિટી દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું કે, હજીરાના ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આગનો બનાવ બન્યો હતો. આ આગને કાબૂમાં લેવાઈ ગઈ છે. તેમજ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.