ડૉ. વિજય કુમાર
કન્સલ્ટન્ટ ફિઝિશિયન, જનરલ ફિઝિશિયન અને ડાયબેટોલૉજિસ્ટ
દેશભરમાં કોવિડ-19ના આલેખમાં ઉતાર-તરફી વલણ જોવા મળી રહ્યો છે, પણ કોવિડમાંથી સાજા થયા બાદ કોવિડના દર્દીઓમાં ટીબીનો ચેપ લાગવાનું જોખમ હજી પણ તોળાઈ રહ્યું છે. કર્ણાટકમાં હાલમાં જ 23-25 કેસ નોંધાયા છે, જેમાં કોવિડમાંથી સંપૂર્ણપણે સાજા થયેલા દર્દીઓમાં ટીબીનો ચેપ લાગ્યો હોવાનું જોવા મળ્યું છે. ટીબી ભારતની સૌથી મોટી જાહેર સ્વાસ્થ્ય કટોકટી હોવાનું ચાલુ જ છે. નેશનલ સ્ટ્રેટીજિક પ્લાન ફૉર ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન (2017-2025) અનુસાર, દરરોજ 1,400 અને દર વર્ષે અંદાજે 4,80,000 ભારતીયો ટીબી સામે જીવનનો જંગ હારી જાય છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાના જણાવ્યા પ્રમાણે, ભારતમાં ટીબીના 65% કેસીસ 15-45 વર્ષના વય જૂથમાં જ જોવા મળે છે, જે આર્થિક દૃષ્ટિએ લોકસંખ્યાનો સૌથી ઉત્પાદક ભાગ છે. આ કારણસર, તે વધુ મહત્વનું બની જાય છે કે, કોવિડમાંથી સાજા થયેલાઓને ફૉલો-અપ તરીકે ઘરે ઘરે જઈ સર્વેક્ષણ હાથ ધરી તપાસ કરવામાં આવે કે તેઓ હાલ ટીબીની લક્ષણો તો ધરાવતા નથી ને. આ સર્વેક્ષણો હાથ ધરવાનું કામ દેશના કેટલાક ભાગમાં સતત ચાલુ જ છે.
કોવિડ-19 અને ટીબી બંને પર નિયંત્રણ લાવવાના પોતાનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો સરકાર કરી રહી છે, પણ સમાજ તરીકે આપણે સમજવાની જરૂર છે કે, કોરોના વાયરસ જેવી બીમારી ફાટી નીકળવાની નકારાત્મક અસર અન્ય બીમારીઓની સારવાર લઈ રહેલા દર્દીઓ પર પણ થાય છે. ટીબી સામેના ઉપાયો પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવાં આવશ્યક છે કેમ કે ભારતમાં તેના વીસ લાખથી વધુ કેસ છે. વધુમાં, 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવાનો દેશનો ધ્યેય પણ અત્યારની ક્ષણે કેટલાક અંશે હચમચી ગયો છે.
આ વૈશ્વિક મહામારી દરમિયાન ટીબીના દર્દીઓનું રક્ષણ કરવાના કેટલાક માર્ગ આ રહ્યાઃ
સલામતી સંબંધી તમામ સાવચેતીઓ પર અમલ અને શ્વસન સંબંધી સ્વચ્છતાનું ધ્યાન રાખવું – માસ્ક પહેરવો તથા નિયમિતપણે હાથ ધોવા આ બે સૌથી મહત્વનાં પગલાં છે. ટીબી ન હોય એવા દર્દીઓ સાથે ટીબી હોય એવા દર્દીઓએ પણ શ્વસન સંબંધી સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે, ખાંસી કે છીંક આવે ત્યારે નાક અને મોઢું વાળેલી કોણી અથવા ટિશ્યુથી ઢાંકી લેવા, અને વપરાયેલા ટિશ્યુનો તરત યોગ્ય રીતે નિકાલ કરવો. એટલું જ નહીં, તમારા ચહેરા અથવા આંખોને સ્પર્શ કરવાનું ટાળો ખાસ કરી ને ઉચ્ચ જોખમ ધરાવતા વાતાવરણમાં.
ડૉક્ટરની સલાહને વળગી રહો – ટીબીના દર્દીઓએ તેમના મેડિકલ પ્રૅક્ટિશનરની સલાહને સાતત્યપૂર્વક વળગી રહેવું જોઈએ અને તેમની દવા લેવાનું ચાલુ રાખવું જોઈએ. સક્રિય ઉપરાંત નિષ્ક્રિય ટીબી એ કોવિડ-19નો ચેપ લાગવા માટે જોખમી પાસું હોય છે. ટીબીના દર્દીઓમાં કુપોષણ, ડાયાબિટિસ, ધૂમ્રપાન અને એચઆઈવી જેવી કૉ-મૉર્બિડ (સહ-વિકાર) પરિસ્થિતિ હોવાની શક્યતા હોય છે, આ બાબતો કોવિડ-19નો ભોગ બનવાની તેમની નબળાઈઓને ઓર વધારી મૂકે છે.
ડૉક્ટર અને દવા સુધી અવરોધ વિનાની પહોંચ – અહીં એ નોંધવું જરૂરી છે કે, એકવાર સારવાર શરૂ થાય એ પછી ટીબીના દર્દીઓએ તેમની દવા લેવામાં ઢીલ કરવી જોઈએ નહીં. ડૉક્ટરની મંજૂરી વિના એકાએક દવા લેવાનું છોડી દેવાનાં પરિણામો ગંભીર આવી શકે છે.
ભાવનાત્મક અને નૈતિક આધાર – આ મુશ્કેલ સમયમાં દર્દીઓને ભાવનાત્મક અને નૈતિક ટેકાની પણ જરૂર પડે છે. મિત્રો, પરિવારજનો, આડોશીપાડોશીઓ, સંભાળદાતાઓ એ વાતની કાળજી રાખે એ અત્યંત જરૂરી છે કે, દર્દીને એકલવાયાપણાની કે તરછોડી દેવાયાની લાગણી ન થાય. આ બીમારીમાંથી પૂર્ણપણે સાજા થઈ શકાય છે એ વાતનો વિશ્વાસ દર્દીને અપાવવાથી તેમનામાં ભરોસાની ફરી સ્થાપના થશે અને સાથે જ તેમના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવ્યું છે એ વાતની પણ તકેદારી રહેશે.
ટીબીની સારવારમાં કોઈપણ તબક્કે અંતરાય આવવો ન જોઈએ. ટીબીની દર્દીઓનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે એ માટે સામાજિક અને આર્થિક મોરચે પણ તેમનું રક્ષણ થવું જોઈએ, અને સમાજના આધાર દ્વારા તેઓ કલંક અને ભેદભાવ સામે પણ તેઓ મક્કમપણે લડી શકશે.