વિશ્વની સૌથી ઊંચી 369 ફૂટની શિવ પ્રતિમા બની છે રાજસ્થાનના નાથદ્વારામાં
ભક્તિ અને ભાવનું થશે મિલન, મોરારિ બાપુની કથા સાંભળી ધન્ય થશે ભક્તો
શ્રીનાથજીની નગરી નાથદ્વારામાં 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન થશે આયોજન
રાજસ્થાનની કણે કણ પોતાની બહાદુરી, બલિદાન, ભક્તિ તેમજ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને કારણે દેશ-વિદેશના લોકોને આકર્ષે છે. કંઇક આવો જ એક અને નવો અધ્યાય વિશ્વ પટલ પર પોતાનો ઈતિહાસ લખવા જઇ રહ્યો છે. રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં શ્રીનાથજીની પાવન ધરતી પર 369 ફૂટની વિશ્વની સૌથી ઉંચી શિવ પ્રતિમા “વિશ્વાસ સ્વરૂપમ”નો લોકાર્પણ મહોત્સવ 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવી રહ્યો છે.
સંત કૃપા સનાતન સંસ્થાના ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું કે મહાદેવના આ મહા મહોત્સવમાં 9 દિવસ સુઘી ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક આયોજનોની ભરમાર જોવા મળશે, મોરારિ બાપુની 9 દિવસીય રામકથા આ મહોચ્સવને ચાર ચાંદ લગાવશે અને તેના સાક્ષી બનશે દેશ-દુનિયાથી આવેલા લાખો શ્રોતાઓ. મોરારિ બાપુની રામકથા આ લોકાર્પણ મહોત્સવમાં સોનામાં સુગંધ જેવી રહેશે. મદન પાલીવાલે વર્ષો પહેલા શ્રીજીની નગરીમાં ભગવાન શિવની અદભૂત મુદ્રામાં વિશ્વની સૌથી વિશાળ શિવ મૂર્તિ બનાવવાનો ડ્રીમ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો, જે હવે તૈયાર થઇને પોતાની પૂર્ણતા લઇ ચૂક્યો છે. શ્રીજીની નગરીમાં સ્થાપિત ભગવાન શિવની આ અદભૂત પ્રતિમા લોકોના આકર્ષણની સાથે દેશ અને રાજસ્થાનની પ્રવાસનમાં એક નવો પરિમાણ સ્થાપિત કરશે. નાથદ્વારાની ગણેશ ટેકરી પર બનેલી 369 ફૂટની ઉંચી આ પ્રતિમા ડ્રીમ પ્રોજેક્ટનો ભાગ રહી છે. 51 વિઘાની ટેકરી પર બનેલી આ પ્રતિમામાં ભગવાન શિવ ધ્યાન તેમજ અદભૂત મુદ્રામાં બિરાજમાન છે, જે 20 કિલોમીટર દૂરથી જ નજર આવી જાય છે. રાત્રીના સમયે આ પ્રતિમા સ્પષ્ટ રીતે દેખાય તે માટે વિશેષ લાઇટ્સથી તેને રોશનીથી સજાવવામાં આવી છે. 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી નાથદ્વારામાં આયોજિત થનારા આ મહોત્સવમાં મોરારિ બાપુની પ્રવચનો સાથે જ આસ્થા, સંસ્કૃતિ, સંગીત અને કલાનો મહાસંગમ થશે.
વિશ્વની સૌથી ઉંચી શિવ મૂર્તિની પોતાની એક અલગ જ વિશેષતા છે, 369 ફૂટ ઉંચી આ પ્રતિમા વિશ્વની એકમાત્ર પ્રતિમા હશે, જેમાં લિફ્ટ, સીડી, શ્રદ્ધાળુઓ માટે હોલ બનાવવામાં આવ્યો છે. પ્રતિમાની અંદર સૌથી ઉપરના ભાગમાં જવા માટે 4 લિફ્ટ અને ત્રણ સીડીઓ બની છે. પ્રતિમાના નિર્માણમાં 10 વર્ષનો સમય અને 300 ટન સ્ટીલ અને લોખંડ, 2.5 લાખ ક્યૂબિક ટન કોંક્રિટ અને રેતીનો ઉપયોગ થયો છે.
પ્રતિમાનું નિર્માણ 250 વર્ષોના ટકાઉપણાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. 250 કિલોમીટરની ગતિથી ચાલતી હવા પણ મૂર્તિને અસર કરશે નહી. આ પ્રતિમાની ડિઝાઇનનો વિંડ ટનલ ટેસ્ટ (ઉંચાઇ પર હવા) ઓસ્ટ્રેલિયામાં થયો છે. વરસાદ અને તડકાથી બચવા માટે તેના પર ઝિંકની કોટિંગ કરી કોપર કલર કરવામાં આવ્યો છે, પ્રતિમાને તત પદમ્ સંસ્થાએ બનાવડાવી છે.
શિવ પ્રતિમા પર વિશેષ રીતે લાઇટ એન્ડ સાઉંડના થ્રીડી પ્રયોગ દ્વારા શિવ સ્તુતિનું પ્રસારણ થશે, જે પ્રવાસીઓ માટે આ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર હશે. તેમાં બરકો કંપનીના પ્રોજેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
શિવ પ્રતિમા વિશ્વાસ સ્વરૂપના લોકાર્પણની પત્રકાર પરિષદ દરમિયાન પ્રકાશ પુરોહિત, લક્ષ્મણ દીવાન, મયંક પાઠક, બલરામ સિંહ, નટવરભાઈ શાહ, ભાસ્કર જોશી, વિનોદ કુમાવત સહિત અનેક મહાનુંભાવો ઉપસ્થિત હતા.