બૉલીવૂડ અભિનેતા કાર્તિક આર્યને તાજેતરમાં જ અમદાવાદના ચાંદખેડા સ્થિત એનવાય સિનેમાઝની મુલાકાત લીધી હતી. આ સમયે કાર્તિકના ચાહકો મોટી સંખ્યામાં તેની એક ઝલક માટે ઉમટી પડ્યા હતા. કાર્તિક આર્યને એનવાય સિનેમાઝની પ્રીમિયમ પ્રોપર્ટીને નિહાળી હતી અને જણાવ્યું હતુ કે સિનેમા જોવાનો અનોખો અનુભવ પુરો પાડતી અત્યાધુનિક સુવિધાઓ અને સગવડો સાથેના આ મલ્ટિપ્લેક્સને અમદાવાદ ખાતે ખુલ્લુ મૂકવા બદલ હું અજય દેવગણને અભિનંદન પાઠવુ છું અને મનોરંજન માણવાની સમગ્રતા ધરાવતા આ પ્રકારના મલ્ટિપ્લેક્સ ચેઇનને શરૂ કરવા માટે હું પ્રેરિત થયો છું.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ અમદાવાદ ખાતે ચાંદખેડા સ્થિત એનવાય સિનેમાઝની પ્રીમિયમ પ્રોપર્ટી લક્ઝુરિયસ મલ્ટિપ્લેક્સને ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જેના શુભારંભ સમયે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. “ફોર ધ લવ ઓફ સિનેમા”ની બ્રાન્ડ ફિલોસોફી ધરાવતા અજય દેવગણના સાહસ એવા એનવાય સિનેમાઝની અમદાવાદ ખાતેની રજૂઆત લક્ઝુરિયસ મલ્ટિપ્લેક્સ એ ફિલ્મ નિહાળનારાઓ માટે અત્યાધુનિક સુવિધાઓ અને સગવડો સાથેની સૌથી પ્રીમિયમ પ્રોપર્ટી છે. આ મલ્ટિપ્લેક્સ અમદાવાદમાં સૌપ્રથમ ડોલ્બી એટમોસ સ્ક્રીન, મોકટેલ બાર અને લાઈવ કિચન સાથેના સંપૂર્ણ રિક્લાઈન્ડ ઓડિટોરિયમના અનુભવ સહિતની અનેક સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત, લક્ઝરી લાઉન્જ સાથે 360 ડિગ્રી ફરતી સેલ્ફી રિંગ અને બૉલીવુડની લાગણીઓ સાથે 40 ફૂટની નિયોન વૉલ એનવાય સિનેમાના દર્શકો માટે આકર્ષણ બની રહી છે.
અભિનેતા કાર્તિક આર્યનને મલ્ટિપ્લેક્સ ખાતે આવકારતા એનવાય સિનેમાઝના સીઈઓ રાજીવ શર્માએ જણાવ્યું, “એનવાય સિનેમાઝમાં હું કાર્તિક આર્યનનું સ્વાગત કરૂ છું. આ લક્ઝુરિયસ મલ્ટિપ્લેક્સના પ્રારંભ સાથે અમે દર્શકો માટે ન માત્ર મલ્ટિપ્લેક્સનો અનુભવ લાવી રહ્યાં છે, પરંતુ ફિલ્મી શૈલીમાં લક્ઝરીમાં વીંટળાયેલી મનોરંજનની સમગ્રતાને પણ લાવી રહ્યા છીએ.”