હિસ્ટરી ટિચરની લવ કેમિસ્ટ્રી પ્રેક્ષકોને સાવ ઉપરથી જાય છે
પ્રથમવાર વરુણ ધવન અને જાન્હવી કપૂરની જોડી ઓન સ્ક્રીન જામે છે, પણ ફિલ્મની વાર્તા પ્રેક્ષકોને પલ્લે પડે તેમ નથી.
હિસ્ટરી ટીચર અજય દીક્ષિત ઉર્ફ અજજુ ભૈયા (વરુણ ધવન) અને બ્યુટીફુલ નિશા (જાન્હવી કપૂર) બે પરિવારની મરજીથી સામાજિક રીતિરિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાય છે. અજ્જુ ને પહેલેથી જ દેખાડો કરવાનો શોખ છે એટલે લોકો સામે ઇમ્પ્રેશન પાડવા, પોતાનો વટ બતાવવા તે ટાઉનની સૌથી સુંદર યુવતી નિશા ને જોતા જ લગ્ન માટે તૈયાર થઈ જાય છે, અને નિશા ને અજ્જુમાં એ બધા જ ગુણ દેખાય છે જે તેના દિલમાં એક પરફેક્ટ પતિની છબી ઉભી કરે છે. નિશા ને ક્યારેક ક્યારેક આંચકી આવવાની બીમારી છે જેની વાત તે અજ્જુને પ્રથમ મુલાકાતમાં જ કહી દે છે પરંતુ અજજુ લોકો સામે રૌફ જમાવવાના ચક્કરમાં એ બીમારી શું છે એ જાણ્યા સમજ્યા વગર લગ્ન માટે હા પાડી દે છે.
લગ્નના દિવસે જ જ્યારે નિશાને આંચકી આવે છે એ જોઈને અજજુ હેરાન થઈ જાય છે, લગ્ન તો થઈ જાય છે પણ તે ક્યારેક નિશા ની સાથે બહાર જાય અને લોકો સામે જો નિશા ને એવી આંચકી આવે તો અજજુની ઈમેજનું શું થાય એ ડર થી તે નિશા ને કદી સાથે બહાર લઈ જતો નથી , ના તો બેડરૂમમાં પણ તેની સાથે સુવે છે. નિશા પોતાના લગ્નને બચાવવા ખૂબ પ્રયત્નો કરે છે પણ અજજુનું હદય પરિવર્તન કરી શકતી નથી.

આ બાજુ સ્કૂલમાં અજજુ સર એક સ્ટુડન્ટ પર હાથ ઉપાડે છે જે એમએલએ નો પુત્ર છે જે વાતથી તે બિલકુલ અજાણ છે અને તેને સ્કૂલમાંથી એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આ વાત વાયુ વેગે ફેલાય છે અને અજજુ ભૈયાની ઈમેજની વાટ લાગી જાય છે.
માહોલ ઐસા બનાઓ કી લોગો કો રિઝલ્ટ ના દિખે આ વિચારસરણી અજજુની છે અને તે આ એક મહિનામાં કંઇક એવું કરવાનો પ્લાન કરે છે કે તેનો રોલો પડી જાય. તે નક્કી કરે છે કે તે ભલે સ્કૂલે ના જઈ શકે પણ તે યુરોપ જઈને દ્વિતીય વિશ્વ યુધ્ધ જ્યાં થયું હતું તે જગ્યાઓ એ રૂબરૂ જઈને ત્યાંથી લાઈવ થઈને બાળકોને દ્વિતીય વિશ્વ યુધ્ધ વિશે ભણાવશે. આ માટે પૈસાનો જુગાડ કરવા તે નિશા ને પોતાની સાથે યુરોપ ફરવા લઈ જવાનો ડોળ કરે છે અને તેના પિતાજી (મનોજ પાહવા) તેને યુરોપ મોકલવા માટે રાજી થઈ જાય છે અને તેને યુરોપ જવાના પૈસા આપે છે.
યુરોપની 15 દિવસની ટુરમાં સાથે સમય વિતાવ્યા બાદ અજજુને નિશા ની કિંમત સમજાય છે અને તે તેને સાચા દિલથી સ્વીકારે છે. સસ્પેન્શન પીરીયડમાં પણ બાળકોને ભણાવવાની તેની લગની જોઈને અજજુની શિક્ષકની નોકરી પણ બચી જાય છે.
ફિલ્મની વાર્તા અજજુ અને નિશાની આસપાસ જ ફરે છે. ફિલ્મમાં બવાલ નો અર્થ એ રીતે દર્શાવાયો છે કે દ્વિતીય વિશ્વ યુધ્ધ વિશે ભણાવ્યા બાદ અજજુ ભૈયા બોલે છે કે બહારની બવાલ તો ખતમ થઈ ગઈ પણ આપણા બધાની અંદર જે બવાલ ચાલે છે તે ક્યારે ખતમ થશે. (મતલબ કુછ ભી !!)

સ્ક્રીન પ્લે મજબૂત નથી, ફિલ્મ જોતા જોતા અનેકવાર બોર થવાય છે. વરુણ અને જાન્હવી ની જોડી જામે છે. વરુણના માતા-પિતાના પાત્રમાં અંજુમન સક્સેના અને મનોજ પાહવાના પાત્રો નોંધનીય છે. ફિલ્મના રાઇટર છે નીતેશ તિવારી, પિયુષ ગુપ્તા, નિખિલ મહેરોત્રા અને શ્રેયસ જૈન.. આ પરથી ખયાલ આવી જાય કે ચારેય ભેગા થઈને ચારે બાજુથી ફિલ્મને ખેંચી છે, ચારેય રાઈટરોએ અલગ અલગ એન્ગલથી ફિલ્મને જોઈ હશે. (LOL). એમએલએ ના પાત્રમાં મુકેશ તિવારી જામે છે પણ તેના ભાગે ખાસ કામ આવ્યું નથી (શોભાના ગાંઠિયા જેવી હાલત). ફિલ્મની લંબાઈ છે 137 મિનિટ અને અમેઝોન પ્રાઈમ પર 21મી જુલાઈથી ઉપલબ્ધ છે.
હા પણ એક વાત માટે ફિલ્મની પ્રશંસા તો બને છે કે આ ફિલ્મ કોઈની રીમેક નથી…
ન્યુઝ આસપાસ તરફથી ફિલ્મને પાંચ માંથી અઢી સ્ટાર