વર પધરાવો સાવધાન! આ ગુજરાતી ફિલ્મનું ટ્રેલર જોતા જ ખ્યાલ આવી ગયો હતો કે આ કાંઈક હટકે ફિલ્મ છે. એનોખા વિષય સાથે સામાજિક સંદેશો અને સાથે- સાથે ફેમિલી ડ્રામા અને કમેડી તો ખરી જ. એક કમ્પ્લિટ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ “વર પધરાવો સાવધાન”માં સેલિબ્રિટી એન્કર સિદ્ધાંત (તુષાર સાધુ) અને આનલ (કિંજલ રાજપ્રિયા)ના લગ્નની વાત છે. સિદ્ધાંત એક જાણીતી ચેનલમાં ટીવી એન્કર છે અને પોતાના નામ અનુસાર તે પોતાના સિદ્ધાંતને વળગી રહેવામાં માને છે. સામાજિક સુધારણાની વાતો તે ખાસ પ્રકારે અનુસરતો હોય છે. સામે આનલ એકદમ બિન્દાસ અને અલગ વિચારો ધરાવતી યુવતી છે, જે કાઈપણ ખોટું સહન નથી કરી સકતી. એ જે વિચારે એ કરીને જ રહે છે. આમ એક દિવસ બંનેની મુલાકાત થાય છે અને પછી બંનેને પ્રેમ થાય છે, સગાઇ થાય છે અને સગાઈના દિવસે જ આનલ સિદ્ધાંતને પરણીને તેના ઘરે આવવા માટે કહે છે. આ સાંભળીને બંનેની ફેમિલીના પગ નીચેથી જમીન સરકી જાય છે. પોતાના પરિવારની વિરુદ્ધ જઈને પણ સિદ્ધાંત આ વાત માને છે. અને પછી જેમ નવી વહુ સાસરે જાય અને એના જીવનમાં જે બદલાવ આવે તેવા બદલાવ સિદ્ધાંતના જીવનમાં આવે છે. નવા મેરેજ કરેલ વ્યક્તિ (સ્ત્રી હોય કે પુરુષ)ની એક- એક વાત ખૂબ જ સુંદર રીતે આ ફિલ્મમાં વર્ણવામાં આવી છે. આગળ શું થાય છે? શું સિદ્ધાંત કાયમ માટે ઘર-જમાઈની જેમ જ રહે છે? બંને આગળ રહેવા જાય છે? આ બધું તો આ ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
ડિરેક્ટર વિપુલ શર્માએ ખૂબ જ સુંદર રીતે આ વાર્તાને સ્ક્રીન પર રજૂ કરી છે. શૈલેષ ધામેલીયા એ હંમેશાની જેમ સામાજિક સંદેશ સાથે એન્ટરટેઇન્મેન્ટ પર પણ પૂરેપૂરું ધ્યાન આપ્યું છે. એક્ટિંગની વાત કરીએ તો તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા મુખ્ય ભૂમિકા નિભાવતા એકબીજાના એકદમ પરફેક્ટ કોમ્બિનેશન સાબિત થયા છે. આનલના પિતાના રોલમાં રાગી જાનીની એક્ટિંગ એ-વન છે, તેમની બોલવાની સ્ટાઈલ અને ફિલ્મમાં બતાવાયેલો તેમનો સ્વભાવ દર્શકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ ઉપરાંત કામિની પંચાલ, પ્રશાંત બારોટ, જૈમિની ત્રિવેદી દરેકે પોતાના પાત્રોને સંપૂર્ણપણે ન્યાય આપ્યો છે.અંશુ જોશીએ પણ નાની પરંતુમહત્વની ભૂમિકા ભજવી છે. આદિત્ય ગઢવીના અવાજમાં સ્વરબધ્ધ કરાયેલ “ઘણી ખમ્મા” પણ બેસ્ટ છે.
આમ જોવા જઈએ તો ખરેખર જોવાલાયક ગુજરાતી ફિલ્મ, સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇનમેન્ટ અને મજ્જો પડાવી દે તેવી ફિલ્મ છે “વર પધરાવો સાવધાન”. ઉલ્લેખનીય છે કે આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જે ગુજરાતીની સાથે- સાથે કન્નડ ભાષામાં પણ રિલીઝ થઈ છે.