અમદાવાદઃ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધનનો તહેવાર. પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા ભાઈ-બહેન રક્ષાબંધનની આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે વર્ષોથી સામાજિક કાર્યો સાથે જોડાયેલ એક યુવા ગ્રુપ દ્વારા નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘રક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી.
ફાયર બ્રિગેડના ભાઈઓ આખુ વર્ષ પોતાના જીવના જોખમે નાગરિકોની રક્ષા કરતા હોય છે, ત્યારે તેમની રક્ષા કાજે નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘સુરક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. શહેરના આ યુવા ગ્રુપની આશરે 30થી વધુ બહેનોએ ફાયર વિભાગના ભાઈઓના હાથે રાખડી બાંધી તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી હતી.
આ પ્રસંગે નિકોલ ફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા ફાયર વિભાગના કાર્યો વિશે જાણકારી આપી હતી, તેમજ આપત્તિના સમયે કેવી રીતે સંયમતા અને સતર્કતાથી વર્તવુ તેના વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત, જ્યારે કટોકટીની સમસ્યા સર્જાય હોઇ ત્યારે ફાયરના વ્હિકલ સમયસર ઘટનાસ્થળે પહોંચે તે માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.