- સુપરહિટ ફિલ્મ રુસ્તમ પાછળની ત્રિપુટી મિશન રાનીગંજ સાથે પરત આવી રહી છે, ફિલ્મ આ શુક્રવારે (6 ઑક્ટોબર) રિલીઝ થઈ રહી છે.
- ગુજરાતના યુવક વિપુલ રાવલની ભારતીય નૌકાદળના જવાનથી લઈને બૉલીવુડ સ્ક્રીન પ્લે રાઇટર સુધીની સફર
- 6ઠ્ઠી ઓક્ટોબરે રિલીઝ થઇ રહેલ ફિલ્મ “મિશન રાનીગંજ”ના સ્ક્રીનપ્લે રાઇટર વિપુલ કે. રાવલ વાપી, ગુજરાતના
- અગાઉ રૂસ્તમ, ઇકબાલ, મુંબઈ વારાણસી એક્સપ્રેસ, બત્તી ગુલ મીટર ચાલુ, ટોની જેવી ફિલ્મોના સ્ક્રીન પ્લે રાઇટર પણ રહી ચૂક્યા છે
લેખન એ ખૂબ જ સુંદર કળા છે અને તે પણ કોઈ ફિલ્મમાં લેખનકળા દર્શાવવી તે ખૂબ નોંધપાત્ર વાત છે. કોઈપણ ફિલ્મનો મુખ્ય આધાર તેની સ્ક્રિપ્ટ પર જ હોય છે. મૂળ સુરેન્દ્રનગરના પરંતુ વાપી, ગુજરાતમાં વસેલા વિપુલ કે. રાવલ પોતાની આ જ લેખનકળાથી બોલીવુડમાં પોતાનો ડંકો વગાડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે 6ઠ્ઠી ઓક્ટોબર, 2023ના રોજ રિલીઝ થનાર અને અક્ષય કુમાર તથા પરિણીતી ચોપરા જેવા દિગ્ગ્જ કલાકારોની ભૂમિકા દર્શાવતી ફિલ્મ “મિશન રાનીગંજ”ના સ્ક્રીન પ્લે રાઇટર પણ આપણાં ગુજરાતનું ગૌરવ એવાં વિપુલ કે. રાવલ જ છે. અગાઉ તેમણે રૂસ્તમ, ઇકબાલ, મુંબઈ વારાણસી એક્સપ્રેસ, બત્તી ગુલ મીટર ચાલુ, ટોની જેવી ફિલ્મોના સ્ક્રીન પ્લે પણ લખ્યા છે. જેમાં અક્ષયકુમાર અભિનીત ફિલ્મ “રૂસ્તમ” ઘણી સફળ ફિલ્મ રહી છે. આ ફિલ્મની સફળતામાં વિપુલ રાવલની લેખનકળાનો પણ એટલો જ ફાળો હતો.
“મિશન રાનીગંજ” ફિલ્મ એક વાસ્તવિક વાર્તા પર આધારિત છે. 34 વર્ષ પહેલા નવેમ્બર 1989માં પશ્ચિમ બંગાળના રાનીગંજની કોલસાની ખાણમાં એક મોટી દુર્ઘટના થઈ હતી જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ અત્યાર સુધીનો સૌથી ખતરનાક કોલસા અકસ્માત હતો, આ અકસ્માતમાં અમૃતસરના એન્જિનિયર જસવંત સિંહ ગીલે એકલા હાથે 65 લોકોને મોતના મુખમાંથી બચાવ્યા હતા. ‘મિશન રાનીગંજ – ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ’ આ અકસ્માતની વાર્તા કહે છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા જસવંત સિંહ ગિલની પત્નીનો રોલ કરી રહી છે.
અક્ષય કુમાર, પરિણીતી ચોપરા તથા રવિ કિશન જેવા અવ્વ્લ કક્ષાના કલાકારોને ચમકાવતી ફિલ્મ “મિશન રાનીગંજ- ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ” એ રેસ્ક્યુ સર્વાઈકલ મિશન ફિલ્મ છે. વિપુલ રાવલે આ અંગે જણાવ્યું હતું કે, “સત્યઘટના પર આધારિત ફિલ્મ બનાવવી તે ઘણું જ અઘરું છે તેમાં તમારે સમાજને એકદમ સત્ય હકીકતથી વાકેફ કરવાના રહે છે. આ ફિલ્મની કથા માટે મેં અમૃતસર જઈને જસંવતસિંહ ગિલની મુલાકાત લીધી અને સમર ઘટના અંગે જાણ્યું. ઉપરાંત રાનીગંજ જઈને ત્યાંના મજૂરો, નજરે જોનાર સાક્ષીઓ તથા આ ઘટના સાથે જોડાયેલ મોટાભાગના લોકોને મળીને તેમની વાત જાણી, તેમના રેકોર્ડિંગ્સ લીધા.”
વિપુલ રાવલને આ કથાના સ્ક્રીન પ્લે માટે લગભગ 5-6 મહિનાનો સમય લાગ્યો. તેઓને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે દર્શકોને આ ફિલ્મ જરૂર પસંદ આવશે અને રૂસ્તમની જેમ આ ફિલ્મ પણ રૂપેરી પરદે સફળતાનાં શિખર સુધી પહોંચશે. વિપુલ રાવલે સ્ક્રીન પ્લે રાઇટિંગ અંગેનું પુસ્તક “फ़िल्म की कहानी कैसे लिखें” પણ લખ્યું છે. ઉપરાંત તેઓ એકસમયે ભારતીય નૌકાદળમાં પણ ફરજ બજાવતા હતા. હાલ તેઓ મુંબઈ ખાતે વસવાટ કરી રહ્યાં છે. એક સ્ક્રીન પ્લે રાઇટર તરીકે સફળ બનાવ માટે તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે અને તેમાં તેમની ફેમિલીએ તેઓને સંપૂર્ણ સપોર્ટ કર્યો છે.