• રાહુલ ભોલે અને વિનીત કનોજીયા દિગ્દર્શિત ફિલ્મ “લગન Special”માં ગેરસમજોને લીધે સર્જાતી કોમેડી જોવા મળે છે
તા. 09.02.2024, ગુજરાત : આજે સિનેમાઘરોમાં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ “લગન Special” સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી ફૂલ એન્ટરટેઈનિંગ ફિલ્મ છે. ફિલ્મમાં એક સીન પણ એવો નથી કે જેમાં તમે હાસ્યને રોકી શકો. દુલ્હા-દુલ્હનની લવ કેમિસ્ટ્રી, કમીને ટાઈપનો બેસ્ટ ફ્રેન્ડ, રોમેન્ટિક દાદા, આધુનિક પંડિત, ઉંમરલાયક કાકા અને તેમની જુવાન પત્ની, ખામીઓ શોધતા મામા, યુવતી શોધતા કુંવારા યુવાનો, મિસમેનેજમેન્ટ થી ભરપુર ઇવેન્ટ મેનેજમેન્ટવાળા, બોલ્યા વેણ ઝીલતો હોટેલ મેનેજર, મનમોહક ફિમેલ એન્કર, વાતવાતમાં રિસાઈ જતા શેફ પિતા-પુત્ર, પુત્રની ભૂલો પર ગર્વ અનુભવતા પિતા, ઘરમાં પગલાં પાડે એ પહેલા જ વહુને અવગણતી સાસુ, પિધડિયા બેન્ડ-બાજાવાળા, દીકરીનો લાગણીશીલ પિતા… દરેક અનોખા પાત્રોના ભાગે પૂરતો રોલ. રાહુલ ભોલે અને વિનીત કનીજીયાના દિગ્દર્શનનો કમાલ દર્શાવતી આ એક કોમેડી અને ફૂલ એન્ટરટેઈનિંગ ફિલ્મ છે. ઉલ્લેખનીય છે કે આ ડિરેક્ટર જોડીએ આ પહેલા “વિકીડાનો વરઘોડો”, “રેવા” જેવી અદભુત ફિલ્મો દર્શકોને પીરસી છે.
શેખર (મલ્હાર ઠાકર) અને સુમન (પુજા જોશી)ના લગન માટે ખાસ વેડિંગ ડેસ્ટિનેશન રાખવામાં આવ્યું છે. ઘરના સભ્યો અને તમામ મહેમાનો અત્રે ઉપસ્થિત છે. બધુ જ બરાબર ચાલી રહ્યું છે ત્યાં શેખરનો બેસ્ટ ફ્રેન્ડ (મિત્ર ગઢવી) વિદેશથી ખાસ આ લગન અટેન્ડ કરવા આવી પહોંચ્યો. તેણે ડિજીટલ વાૅચમાં ખાસ ચિપ એડ કરી છે જે લાઇ ડિકેક્ટરનું કામ કરે છે. અને બસ પહેલી વાૅચ પોતાના પરમ મિત્ર શેખરને ગિફ્ટ કરે છે. જે પહેર્યા બાદ શેખર જ્યારે સુમનને આઇ લવ યુ કહે છે ત્યારે આ મશીન Lie, Lie, Lie બોલી ઉઠે છે. અને સુમનના મગજમાં બસ શેખર તેને પ્રેમ કરતો નથી એ વાત ઘર કરી જાય છે અને આ સાથે શરુ થાય છે ગેરસમજો અને ગૂંચવાડા. આ મશીન જો True, True, True બોલે તો જ સુમન શેખર સાથે આવતીકાલે લગનના બંધનમાં બંધાશે એ શરત સાથે તે સંગીત સંધ્યામાં જોડાય છે. મહેમાનોને વેલકમ ગિફ્ટમાં આપવા માટે લાવવામાં આવેલી ડિજીટલ વાૅચના બદલે શેખરના મિત્ર દ્વારા બનાવવામાં આવેલી લાઇ ડિટેક્ટર ચિપ વાલી ડિજીટલ વાૅચની ભૂલથી વહેંચણી થઇ જતા સગા-સંબંધીઓમાં પણ જૂઠાણા બહાર આવવાની મનોરંજક ઘટના પેટ પકડીને હસાવે છે.
બાૅલીવુડ ડિરેક્ટર પ્રિયદર્શન દ્વારા પિરસવામાં આવેલી ફિલ્મો હેરાફેરી, હંગામા, હલચલ, ભાગમભાગ, ચુપચુપકે, દે દના દન – એ ઝોનરની ફિલ્મ કહી શકાય ”લગન Special”. એટલા બધા પાત્રો છે અને દરેક પાત્રના ભાગે પૂરતું કામ, એ દિગ્દર્શનની કમાલ છે. એક જ ડેસ્ટિનેશન પર પૂરી ફિલ્મ પણ સંવાદો અને સિચ્યુએશનલ કોમેડી ભરપૂર. દરેક સીન, દરેક વાત પર હસવું આવે. મનોરંજન અને કોમેડીથી ભરપૂર, સહપિરવાર સાથે માણી શકાય તેવી તદ્દન નવા જ વિષય સાથેની આ ફિલ્મ છે.
ફિલ્મના મુખ્ય પાત્રોમાં મલ્હાર ઠાકર, પૂજા જોશી અને મિત્ર ગઢવી ઉપરાંત ફિરોઝ ઇરાની, રાગી જાની, નિજલ મોદી, કલ્પના ગાગડેકર તથા અન્ય જોવા મળે છે. પ્રોડ્યુસર – જીગર ચૌહાણ, દિગ્વિજયસિંહ તથા જીગર પરમાર છે. ફિલ્મમાં સંગીત આપ્યું છે રાહુલ મુંજારિયાએ. ફિલ્મનું દિગ્દર્શન કર્યુ છે રાહુલ ભોલે અને વિનિત કનોજીયાએ.
”લગન Special” ફિલ્મ ફૂલ એન્ટરટેઇનિંગ છે ઃ TRUE, TRUE, TRUE.
ન્યૂઝ આસપાસ તરફથી ફિલ્મને 4 સ્ટાર્સ આઉટ ઓફ 5.