15મી માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ “મૌનમ” રહસ્યથી ભરપૂર છે. ઓર્ગન માફિયાના ચંગુલમાં ફસાયેલી એક યુવતીને પરત લાવવા તેના પતિ દ્વારા દર્શાવવામાં આવેલા સંઘર્ષની વાત છે.
ફિલ્મના મુખ્ય પાત્રોમાં ભાવિક ભોજક, આંચલ શાહ, મૌલિક ચૌહાણ અને ચેતન દૈયા જોવા મળે છે. અન્ય પાત્રોમાં મીનાક્ષી જોબનપુત્ર, મેડી , આલોક, રૂચિતા, કલ્પેશ પટેલ વગેરે જોવા મળે છે.
ફિલ્મની વાર્તા મીરા (આંચલ શાહ)ની આસપાસ ફરે છે. તે બોલી શકતી નથી. રાઘવ (ભાવિક ભોજક) અને મીરા હેપ્પી મેરિડ કપલ છે, પણ તેમની ખુશીઓ અચાનક જ દુઃખમાં પરિણામે છે જયારે તેમની સાથે રોડ એક્સીડેન્ટ થાય છે. હોસ્પિટલમાંથી જયારે રાઘવને રજા આપવામાં આવે છે, રાઘવ ડૉ. ઇશાન (મૌલિક ચૌહાણ)ને મીરા વિષે પૂછે છે અને ડૉક્ટર જણાવે છે કે હોસ્પિટલમાં માત્ર રાઘવને જ એડમિટ કરવામાં આવેલા, તેમની સાથે બીજું કોઈ નહોતું. રાઘવ જ્યાં અકસ્માત થયેલો તે સ્થળે, પોતાના ઘરે બધે જ તપાસ કરે છે પણ મીરા ક્યાંય મળતી નથી. આખરે ઘરમાં મીરાના કપબોર્ડમાં મીરાએ કરેલા રિસર્ચના અમુક પેપર્સ રાઘવને મળે છે જેનાથી એક હોસ્પિટલમાં ચાલતા ઓર્ગનના વેપાર અંગે રાઘવને જાણ થાય છે. આ એ જ હોસ્પિટલ છે જ્યાં રાઘવ એડમિટ હતો. અને રાઘવ તે હોસ્પિટલમાં મીરાંને શોધવા પહોંચી જાય છે.
મીરા સાથે કંઈ અનહોની સર્જાય એ પહેલા રાઘવ મીરા સુધી પહોંચી જાય છે, અને તેને બચાવી લે છે. ડૉ. ઈશાન કોના કહેવા પર આ કૃત્ય કરતા હોય છે અથવા એ શા માટે આ રસ્તો અપનાવે છે તે કહાણી રહસ્ય પરથી પર્દાફાશ કરે છે. ઈન્સ્પેક્ટરના પાત્રમાં ચેતન દૈયાનું ટૂંકું પણ બહુ જ મજબુત પાત્ર જોવા મળે છે. જેટલા પણ સમય માટે ચેતન દૈયા સ્ક્રીન પર દેખાય છે તેટલી ક્ષણ દર્શકો હાસ્ય રોકી શકતા નથી. હેટ્સ ઓફ ચેતન દૈયા. કોન્સ્ટેબલ ભગીરથ ઝાલા (મેડી)નું પાત્ર પણ નોંધનીય છે.
ભાવિક ભોજક અને આંચલ શાહ પહેલી વાર રૂપેરી પડદે સાથે જોવા મળે છે. આ તેમની એક્ટર્સ તરીકેની પ્રથમ ફિલ્મ છે. મૌલિક ચૌહાણનો અભિનય પણ ખુબ જ પ્રશંસનીય છે. લગભગ આખી ફિલ્મને સફળ બનાવવાનો શ્રેય મૌલિક ચૌહાણ અને ચેતન દૈયાને ફાળે જાય છે.
ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે રવિ સચદેવે. ફિલ્મના નિર્માતા છે રિતેશ માવાણી. ફિલ્મમાં સંગીત આપ્યું છે ઋત્વિજ જોશીએ. આ એક ડ્રામાં, રોમાન્સ અને થ્રિલર ફિલ્મ છે.
ન્યુઝ આસપાસ તરફથી ફિલ્મને 5 માંથી 2 સ્ટાર.