પેરિસની ધરતી પર મેડલ માટે વિશ્વભરના ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દેખાડી રહ્યાં છે. ભારતના ખેલાડીઓ વિવિધ 16 રમતમાં ભાગ લઈ રહ્યાં છે. સૌ દેશવાસીઓ ભારતીય ખેલાડીઓની જીત થાય તેવો વિશ્વાસ ધરાવે છે. પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં મનુ ભાકરે 221.7નો સ્કૉર કરીને બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને પહેલો મેડલ અપાવનાર ખેલાડી મનુ ભાકર બની છે. શૂટિંગમાં ઓલિમ્પિક બ્રોન્ઝ જીતનારી મનુ ભાકર પહેલી ભારતીય મહિલા છે.
મનુ ભાકરની જીત થતાં સમગ્ર દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મનુ ભાકરને મેડલ મળતાં જ લોકો ઉજવણીમાં લાગી ગયા છે, ઠેર-ઠેર ઉજવણી કરાઈ રહી છે. મનુ ભાકરને મેડલ મળતાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નડિયાદ હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ખાતે પણ ઉજવણી કરાઈ. નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલાડીઓનો ઉત્સાહ આસમાને પહોંચ્યો હતો. 100થી ખેલાડીઓએ ડાન્સ કરી તિરંગો લહેરાવી મનુ ભાકરની જીતની ઉજવણી કરી. આ સાથે ખેલાડીઓએ પેઈન્ટિંગ પણ કર્યું. મનુ ભાકરે દેશને મેડલ અપાવતા અન્ય ખેલાડીઓને પ્રેરણાબળ મળ્યું છે.
ગુજરાત અને દેશના ખેલાડીઓ ઓલિમ્પિકમાં મેડલ મેળવે તે માટે યાત્રાધામ અંબાજી ખાતે પંડિતો દ્વારા હવન કરવામાં આવ્યો, ખેલાડીઓના જીત માટે પ્રાર્થના કરવામાં આવી. આ ઉપરાંત બહુચરાજી મંદિર, ડાકોર રણછોડરાયજી મંદિર, શામળાજી મંદિર અને સોમનાથમાં પણ હવન કરવામાં આવ્યો અને ખેલાડીઓના શાનદાર પ્રદર્શન થકી દેશનો તિરંગો પેરિસમાં લહેરાય તે માટે પ્રાર્થના કરવામાં આવી.
પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ શાનદાર પ્રદર્શન કરી મેન્સ સિંગલ્સમાં સતત આગળ વધી રહ્યો છે. હરમીત દેસાઈએ જીત સાથે શરૂઆત કરી છે અને સતત રાઉન્ડ ઓફમાં આગળ વધી રહ્યો છે, સૌ ગુજરાતીઓને હરમીત દેસાઈના શાનદાર પ્રદર્શન પર ગૌરવ થઈ રહ્યું છે. હરમીત દેસાઈ ગોલ્ડ મેળવે તેવું સૌ ગુજરાતીઓ ઈચ્છી રહ્યાં છે.