- શિક્ષણ હશે તો સમાજ સંગઠીત થશે, કુરિવાજ-અંધશ્રધ્ધા દૂર થશે
- કીટ વિતરણ વખતે કોમી એકતાના દર્શન થયાં, કાર્યક્રમના અંતે ખાસ દુઆ માંગી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી
અમદાવાદ, શનિવાર:- ઓબીસી, એસ.સી. એસ.ટી અને લઘુમતી સમાજના બાળકો મુખ્ય ધારા વચ્ચે આવે, શિક્ષણ થી વંચિત રહે નહી તે હેતુથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચ છેલ્લાં ઘણાં વખત થી પ્રયત્નશીલ છે. આ અભિયાનના ભાગરૂપે સાબરકાઠા જિલ્લાના ઈડર શહેરના લઘુમતી સમાજના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુક ,પાણીની બોટલ, નાસ્તાનો ડબ્બો અને કંપાસ સહિત નિઃશુલ્ક શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
ઈડર જુમ્મા મસ્જિદના હોલ માં આયોજિત કાર્યક્ર્મમાં ઓબીસી એકતા મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડે જણાવ્યું હતુ કે, આજે કારમી મોંઘવારીમાં જીવન જીવવુ એ દોહ્યલું બન્યું છે પરિણામે છેવાડાના વિસ્તારમાં રહેતા ગરીબ છાત્રો કે જેમના માતા- પિતા આર્થિક મુશ્કેલીમાં છે. આર્થિક પરિસ્થિતિને કારણે ઘણા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે. કુટુંબને મદદ કરવાની ભાવનાથી તેઓ અધ વચ્ચે અભ્યાસ છોડી દે છે. આ કારણસર કોઈપણ ધર્મ,જ્ઞાતિ જાતિ કે સમાજનો ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તે આપણી સૌની જવાબદારી છે કેમકે,. જો શિક્ષણ હશે તો સમાજ સંગઠીત થશે, કુરિવાજ-અંધશ્રધ્ધા દૂર થશે. તેનો ફાયદો પણ સમાજ ને જ થશે. શિક્ષણ વિના પ્રગતિ શક્ય નથી.

મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. કીટ વિતરણ વખતે કોમી એખલાસનો માહોલ સર્જાયો હતો. આ વર્ષે કુલ 20 હજાર છાત્રોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઈડર કસ્બા જમાતના આગેવાનો ઊપરાંત અન્ય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિધાર્થીઓને શિક્ષણલક્ષી માર્ગદર્શન આપ્યું હતુ.
કાર્યક્રમના અંતે ખાસ દુઆ માંગી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને યાદ કરીને શ્રદ્ધાંજલિ પણ અર્પવામાં આવી હતી.