સુરત: જાણીતા ઉદ્યોગપતિ અને પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈને ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં યોજાયેલા અત્યંત લોકપ્રિય ટેડેક્ષ કાર્યક્રમમાં તેમની યાત્રા વિશે વકતવ્ય આપવાનું આમંત્રણ મળ્યું હતું, જ્યાં તેમણે દેશ-વિદેશના વક્તાઓ તેમજ સેંકડો યુવાનોની વચ્ચે ક્લાયમેટ એક્શન સંદર્ભે વાતો કરી હતી.
દુનિયાભરના યુવાનોમાં અત્યંત પ્રિય એવા ટેડેક્ષ વક્તવ્ય શ્રેણીમાં ગ્રીનમેન વિરલ દેસાઈએ ‘ડાયરી ઑફ અ ગ્રીન મેન’ વિષયના નામે વક્તવ્ય આપ્યું હતું, જેમાં એક એન્ત્રપેનર તરીકે તેઓ સામાજિક કાર્યો તરફ કઈ રીતે વળ્યાં અને ત્યાંથી વૃક્ષારોપણના કાર્યોમાં આગળ વધી આંતરાષ્ટ્રીય મંચો પર ગ્રીનમેન તરીકેની નામના કઈ રીતે મેળવી એ વિશેની વાતો તેમણે આવરી લીધી હતી.
આ સંદર્ભે તેમણે કહ્યું હતું, ‘પ્રકૃતિસેવાનું મારું ધ્યેય મને ટેડેક્ષના મંચ પર લઈ જશે એ વિશે એ મેં ધાર્યું નહોતું. આ મંચ પર ક્લાયમેટ એક્શનની દિશામાં મેં ભરેલા પગલાં, તેમજ મોડેલ સ્ટેશન ગ્રીન ઉધનાની વાત રજૂ કરવાનું આમંત્રણ મળ્યું એને હું મારી સેવાયાત્રાની ઉપ્લબ્ધી માનું છું.’
ઉલ્લેખનીય છે કે પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં યોજાયેલા આ ટેડેક્ષ પ્રોગ્રામમાં બિઝનેસ, અભિનય તેમજ સંગીત જેવા અનેક ક્ષેત્રમાં પ્રશંસનીય કામ કરતા કુલ દસ સફળ લોકોએ વકતવ્ય આપ્યા હતા, જેમાં વિરલ દેસાઈએ પર્યાવરણના ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.