જૂન, 2024, અમદાવાદ : અમદાવાદના ડોટ ટુ ડ્રૉઇંગ ફાઉંડેશન દ્વારા હીરાવાડી વિસ્તારમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અપકમિંગ ફિલ્મ “કારખાનું” ના સ્ટાર કાસ્ટ સહીત 100 થી વધુ બાળકોએ પણ ભાગ લીધો હતો. સવારે 6 વાગે શરુ થયેલા કાર્યક્રમમાં લગભગ 150થી વધુ વૃક્ષો જેમાં લીમડો, ગુલમહોર, પીપળો વગેરેનો સમાવેશ થાય છે, તેનું વાવેતર તથા તેમના જતન માટે બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. પર્યાવરણ માટેના આ ઉતમ કામને બિરદાવવા ઠક્કરનગર વોર્ડના MLA શ્રીમતી કંચનબેન રાદડીયાએ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે કારખાનું ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે “કારખાનાં એ આજની જરૂરિયાત છે, પણ વૃક્ષારોપણ એ ભવિષ્યની માંગ છે. જે રીતે તાપમાન વધી રહ્યું છે માત્ર વૃક્ષો જ આપણને બચાવી શકે છે.”
કારખાનું ફિલ્મ અંગે વાત કરીએ તો કારખાનું એ એક હોરર કોમેડી ફિલ્મ છે, જે ગુજરાતી ફિલ્મોમાં નવો ચીલો ચિતરશે. કારખાનું ફિલ્મ અમદાવાદના પ્રોડક્શન હાઉસ “મર્કટ બ્રોસ” દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં કાજલ ઓઝા વૈધ, અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લા, રાજૂ બારોટ જેવા પીઢ કલાકારો સાથે પાર્થ મધુકૃષ્ણ, હાર્દિક શાસ્ત્રી, હર્ષદીપસિંહ જાડેજા અને દધીચી ઠાકર જેવા યુવા કલાકારો પણ છે. આ ફિલ્મનું નિર્દેશન ઋષભ થાનકી એ કર્યું છે. ગુજરાતી ફિલ્મોને નવા આયામો ઉપર લઈ જવાના સંકલ્પ સાથે મર્કટ બ્રોસની ટીમ સપ્ટેમ્બરમાં કારખાનું ફિલ્મ આપની સમક્ષ પ્રસ્તુત કરશે.