કેટલાક કિસ્સાઓમાં ભુમાફિયા કે જેઓ જમીન હડપ કરી લેવાના જુદા જુદા કારસા રચતા હોય, આવી લેન્ડ ગ્રેબિંગની પ્રવૃત્તિને સખ્તાઇથી ડામી દેવા રાજય સરકાર કડક હાથે પગલા ભરશે. બુધવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠકમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો પ્રસ્તાવ કરવામાં આવશે.જને લઇને સરકારે જણાવ્યુ છે કે ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતોના અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ઝડપી-પારદર્શી કેસ તપાસ-સુનાવણીથી ભૂમાફિયાઓને સજા આપી નશ્યત કરવા વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટની રચના કરશે. સાથે અદાલતમાં કેસ દાખલ થયાના છ મહિનામાં કેસનો નિકાલ કરાશે. જમીન હડપ કરી જનારા તત્વોને ૧૦ થી ૧૪ વર્ષ સુધીની જેલ-સજા થશે- જમીનની જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવો પડશે
ગુજરાત સરકારે રાજયમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવવાનો સખ્ત એકટ-ખરડો પસાર કરવાનો નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રી બુધવારે મળનારી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગેની દરખાસ્ત રજૂ કરશે
રાજ્ય સરકારને પણ ધરતીપુત્રોની તેમજ ધાર્મિક સંસ્થાઓની જમીન પચાવી પાડી તેના પર બાંધકામ કરી વેચી દેવા સુધીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સુધીની ફરીયાદો વખતો વખત મળી છે. વિવિધ કિસ્સાઓમાં પણ રાજ્યમાં અનેક લોકો આવા તત્વોનો શિકાર બન્યાનું ધ્યાન પર આવેલ છે. આ કારણે આ કાયદાની જોગવાઇથી માત્ર સરકારી કે સ્થાનિક સત્તા મંડળની માલીકીની જમીનોને જ નહીં પરંતુ ધાર્મિક સખાવતી સંસ્થા અથવા દેણગીની કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલું રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણાશે. આ કાયદા હેઠળના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા જ થશે.
રાજ્યમાં આ એકટના અમલને પરિણામે ખેડૂતો, સામાન્ય માનવી કે ખાનગી માલિકી, જાહેર સંસ્થાની, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જમીનો પર ગેરકાયદેસરનો અથવા ડરાવી, ધમકાવીને કબજો જમાવી દેનારા તત્વો-ભૂમાફિયાઓ સામે આકરી સજા અને શિક્ષાત્મક પગલાં લેવાનો માર્ગ મોકળો થશે.