ગુજરાત : 3 જાન્યુઆરી એ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”નું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મના એક લોરી સોન્ગ “નીંદરું રે” કે જે પ્રખ્યાત બૉલીવુડ સિંગર રેખા ભારદ્વાજના અવાજમાં સ્વરબદ્ધ છે અને દર્શકોને તે પસંદ આવી રહ્યું છે.. હવે ફિલ્મના મેકર્સ દ્વારા અન્ય એક સોન્ગ “ગંગા” લોન્ચ કરાયું છે કે જે જુબિન નૌટિયાલના મધુર અવાજમાં રેકોર્ડ કરાયું છે. આ સોન્ગના શબ્દો સાંભળનારને મંત્રમુગ્ધ કરી દે તેવા છે. ઉલ્લેખનીય છે કે ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે. ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. આ ફિલ્મ જતન પંડ્યા, જ્હાન્વી ચોપરા અને ધ્રુવ ગોસ્વામી દ્વારા સહ-લિખિત છે. વત્સલ અને કવને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે.
ફિલ્મના ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામી જણાવે છે કે, “ગંગા સોન્ગ નું શૂટિંગ ગંગાઘાટ પર થયેલું છે. અમારે ચાલુ આરતીએ શૂટ કરવાનું હતું અને અમારી સાથે ઘણો ઓછો સમય હતો. અમારે આ સૉન્ગને ખૂબ જ લાઈવ રાખવું હતું. અમારા સદ્ નસીબે અમને ચાર દિવસ શૂટ માટે મળ્યા કે જ્યારે આરતી થતી હોય અને મા ગંગાના આશીર્વાદથી અમને આ સોન્ગ શૂટિંગ કરવાની તક મળી. ત્યાંના પૂજારીઓ, ત્યાંના સાધુસંતો દરેકના સપોર્ટ અને આશીર્વાદ અમને મળ્યા. અમે ગંગા સોન્ગ માટે કાંઈક અલગ અવાજની શોધમાં હતા અને જુબિન નૌટિયાલ કરતાં વધુ સારો અવાજ ના મળી શકત. તેમનો અને તેમની ટીમનો અમને ખૂબ જ સપોર્ટ મળ્યો. તેઓ ગુજરાતી નથી પણ આ સોન્ગ તેમણે એટલી સહજતાથી ગાયું છે.”
ફિલ્મના પ્રોડ્યુસર ધનપાલ શાહ જણાવે છે કે, “ફિલ્મ અને તેના ગીતો સાથે જોડાયેલ ઘણી યાદો છે. અત્યંત પ્રખ્યાત સિંગર્સ અમારી સાથે જોડાયા છે અને ફિલ્મની સમગ્ર ટીમે ખૂબ જ મહેનત કરી છે તેથી આ ફિલ્મ દર્શકોને પસંદ પડશે તેની અમને સંપૂર્ણ આશા છે.”
દીક્ષા જોશી અને જયેશ મોરે સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂ ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ભરત ઠક્કર, કલ્પના ગગડેકર, સૌરભ સારશ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં કાશી વિશ્વનાથ, વારાણસી, કોલકાત્તા, ગુજરાત, મુંબઈ વગેરે પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. ઉપરાંત, ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આવું કદાચ કોઈ રિજનલ ફિલ્મમાં પ્રથમવાર દર્શાવવામાં આવ્યું છે