“કાશી રાઘવ”… નામ પરથી લાગે કે કોઈ લવ સ્ટોરી વળી ફિલ્મ હશે અને ફિલ્મના મુખ્ય પાત્રો હશે કાશી અને રાઘવ. ફિલ્મના મુખ્ય પાત્રો તો કાશી અને રાઘવ છે જ, પણ આ ફિલ્મ લાગણીઓ અને કર્મનો સમન્વય છે. આ ફિલ્મની વાર્તા અગાઉ ક્યારેય ગુજરાતી સિનેમામાં જોવા નથી મળી. કોમેડી, લગ્ન વિષયક, એક્શન બધાથી હટકે આ એક સિનેમેન્ટિક ફિલ્મ છે. કાશીના પાત્રમાં દીક્ષા જોશીએ અદ્ભૂત અભિનય કર્યો છે. એક પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકામાં તેમણે પોતાની જાન રેડી દીધી છે. જયેશ મોરે એ રાઘવનું પાત્ર ભજવ્યું છે જેની આપણને પોઝિટિવ અને નેગેટિવ એમ બંને સાઈડ જોવા મળે છે. ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામીની આ પ્રથમ ફિલ્મ છે અને તેમણે જ આ વાર્તા પણ લખી છે. આ ફિલ્મ માટે તેમણે કરેલું રિસર્ચ દેખાઈ આવે છે, તેમની સમજ અને મહેનત ખરેખર રંગ લાવે એવી છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મ ધનપાલ શાહ દ્વારા નિર્મિત છે અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડંકો વગાડશે તે તો નક્કી જ છે. “ઘનો”ના પાત્રમાં શ્રૃહદ ગોસ્વામીનો અભિનય વખાણવા લાયક છે. નાનકડી બાલ કલાકારા પિહુશ્રી ગઢવી કે જે દીક્ષાની દીકરીના પાત્રમાં છે તેણે પ્રથમવાર જ કેમેરો ફેસ કર્યો છે, પણ પોતાની અમીટ છાપ છોડી છે.
ફિલ્મની વાર્તામાં કાંઈક એવું છે કે દીક્ષાની દીકરી રમતાં- રમતાં ગમ થઈ જાય છે અને એક ટ્રકમાં બંધ થઈ જાય છે જેના ડ્રાઈવર રાઘવ હોય છે. કાશી પોતાની બાળકીને શોધવામાં કોઈ કસર બાકી રાખતી નથી. આગળ શું થાય છે? કાશી ને પોતાની બાળકી કેવી રીતે મળે છે? આ બધું જ સસ્પેન્સ તમને ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. એક પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવવી સરળ નથી હોતી. દીક્ષાની મહેનત સ્ક્રીન પર સંપૂર્ણ રીતે દેખાય છે. જયેશ મોરેએ ફરી એકવાર પોતાના અભિનય થકી સાબિત કરી દીધું છે કે તેઓ એક દિગ્ગજ અભિનેતા છે. શ્રૃહદનું ભવિષ્ય ઉજ્જવળ છે, તે એક ઉમદા કલાકાર છે. ફિલ્મના અન્ય કલાકારો . ભરત ઠક્કર, કલ્પના ગગડેકર, સૌરભ સારશ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી દરેકે પોતાના અભિનય થકી આ ફિલ્મમાં ચાર ચાંદ લગાડી દીધા છે.
ફિલ્મમાં કાશી વિશ્વનાથ, વારાણસી, કોલકાત્તા, ગુજરાત, મુંબઈ વગેરે પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે. ઉપરાંત, ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો સંગમ પણ આ ફિલ્મમાં જોવા મળે છે. જયેશ મોરે દ્વારા બોલાયેલા ડાયલોગ્સ આપણને ઊંડી સમજ આપે છે. દીક્ષાએ બોલેલા બંગાળી ભાષાના સંવાદો પણ અદ્દભૂત છે.
આ ફિલ્મ જતન પંડ્યા, જ્હાન્વી ચોપરા અને ધ્રુવ ગોસ્વામી દ્વારા સહ-લિખિત છે. વત્સલ અને કવને આ ફિલ્મમાં સંગીત આપ્યું છે. જુબિન નૌટિયાલ નું “મા ગંગા”, રાખ ભારદ્વાજનું “નીંદરું”, ઉમેશ બારોટ અને ઈશા નાયરનું “ફાગણીયો” આ દરેક સોન્ગ ફિલ્મની સ્ટોરી સાથે ખૂબ સુંદર રીતે સાંકળવામાં આવ્યા છે.
એકંદરે અમે એટલું જ કહીશું કે આ પ્રકારની ફિલ્મો બનવી જોઈએ. આ પ્રકારના વિષયો બહાર આવવા જરૂરી છે. અમે આ ફિલ્મને 4.5/5 સ્ટાર્સ આપીશું.