રાજયમાં વરસાદની તોફાની બેટિંગ બાદ હવે , આગામી દિવસોમમાં કોઇ નોંધપાત્ર સાયક્લોનિક સિસ્ટમ સક્રીય ન હોવાથી હવે ગુજરાતમાં વરસાદ ઓછો થવાની પુરી શકયતા છે, સાથે સાથે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે. સાથે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૯.૫૧ ટકા વાવેતર થયુ છે.
વેધર વોચ ગૃપનો વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મિડીયાને વિગતો આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યુ કે, મંગળવારે સવારે ૬.૦૦ થી બપોરના ૧૬.૦૦ સુધી ૧૭ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૩૧ મીમી સુધી વરસાદ નોધાયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં સૌથી વધુ ૩૧ મીમી વરસાદ વરસ્યો છે. રાજયમાં અત્યાર સુધી તા.૧/૦૯/૨૦૨૦ અંતિત ૧૦૦૪.૭૬ મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૧૨૦.૯૧% છે.
પટેલે કહ્યુ કે, IMDના અધિકારી દ્વારા આ બેઠકમાં જણાવાયુ છે કે, હાલમાં કોઇ નોંધનીય સાયક્લોનિક સિસ્ટમ સક્રીય ન હોઇ ગુજરાતમાં વરસાદ ઓછો થવાની પુરેપુરી શકયતા છે. તા.૪ સપ્ટેમ્બરના રોજ સાયકલોનીક સરકયુલેશન સેન્ટ્રલ રાજસ્થાન તરફ હોવાના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. તે સિવાય ગુજરાતના અન્ય સ્થળોએ આગામી દિવસોમાં વરસાદ થવાની શકયતા નહિવત છે.
બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે તા.૩૧ ઓગષ્ટ સુધીમાં અંદાજીત ૮૪.૪૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૨.૮૦ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૯.૫૧ ટકા વાવેતર થયુ છે. વરસાદને કારણે રાજયનાં ૧૫ જેટલા જિલ્લાઓમાં પાક નુકશાની અંગેના સર્વેની કામગીરી ચાલી રહી છે.સિંચાઇ વિભાગ દ્વારા આ બેઠકમાં જણાવાયું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં ૨,૭૧,૬૦૮ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૮૧.૩૦ ટકા છે. આજ રોજ સરદાર સરોવર ડેમમાં ૧૧,૨૬,૬૨૪ કયુસેક પાણીની જાવક છે. મઘ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમમાંથી છોડવામાં આવતુ પાણી ઘટવાની શકયતા હોઇ નર્મદાની સપાટીમાં ૫ણ ઘટાડો થવાની શકયતા છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં કુલ જળસંગ્રહ ૮૨.૧૬ ટકા છે. હાલ રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-૧૫૬ જળાશય, એલર્ટ ઉ૫ર કુલ-૧૧ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર કુલ-૧૧ જળાશય છે.