ગુજરાત-યુ.એસ. ના સ્ટાર્ટઅપ સાથે મળીને બિઝનેસ ઇકોસિસ્ટમ માટે સ્ટાર્ટઅપ એગેન્જમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવાની દિશામાં આગળ વધવામાં આવશે. લાઇફ સાયન્સ-ડિફેન્સ-પેટ્રોકેમિકલ્સ-કલીન એનર્જી-લોજીસ્ટીકસના ક્ષેત્રોમાં યુ.એસ સાથે સહભાગીતા માટે ગુજરાત ઉત્સુક દવા ઉત્પાદન અને આરોગ્ય સુરક્ષા ક્ષેત્રમાં ગુજરાતમાં રોકાણની ઉજ્જવળ તકો હોવાનુ અમેરિકા સાથે જોડાણ માટેના પ્લેટફોર્મ પર રાજયના મુખ્યપ્રધાન વિજયરૂપાણીએ જણાવ્યુ હતુ.
યુ.એસ. ઇન્ડીયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમની-USISPF ની વાર્ષિક શિખર પરિષદમાં ભારતના રાજ્યોમાંથી એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સમિટના વિશેષ પબ્લીક સેશનમાં સંબોધન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સેમીકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇ-વાહનો જેવા વિવિધ ક્ષેત્રોમાં યુએસ અને ગુજરાત વચ્ચે ઔપચારીક સ્ટાર્ટઅપ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ માટે આહવાન કર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર અમેરિકન કંપનીઓને ગુજરાત સાથે આ ક્ષેત્રે ભાગીદારી અને અન્ય સુવિધાઓમાં સહાયરૂપ થવા વરિષ્ઠ નોડલ અધિકારીની નિમણૂંક કરશે. તેમણે લાઇફ સાયન્સ, ડિફેન્સ, પેટ્રોકેમિકલ્સ, કલીન એનર્જી અને લોજીસ્ટીક ના ક્ષેત્રોમાં યુ.એસ સાથે સહભાગીતાની ગુજરાતની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ ભારતમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિયંટ (એ.પી.આઇ.) ઉત્પાદન માટે ભારતીય કંપનીઓ સાથે જોડાવા ઇચ્છુક યુ.એસ. કંપનીઓના સંદર્ભમાં કહ્યું કે, ભરૂચમાં ‘બલ્ક ડ્રગ પાર્ક’ અને ‘રાજકોટમાં મેડિકલ ડિવાઇસીસ પાર્ક’ના રૂપમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે રાજ્ય સરકાર માળખાગત સુવિધા વિકસાવી રહી છે. ગુજરાત ફાર્માસ્યુટિકલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે એમ તેમણે ઉમેર્યુ હતું.