આપણે હંમેશા કહીએ છીએ કે ગુજરાતી સિનેમામાં કાંઈક નવું આવું જોઈએ…કોમેડીથી અલગ પણ કાંઈક હોય. તો હવે આવી ગઈ છે ફિલ્મ “ભ્રમ”. જે લોકોને થ્રિલર, ક્રાઇમ, મિસ્ટ્રી, સસ્પેન્સ પર આધારિત ફિલ્મો જોવી ગમે છે તેમના માટે તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ભ્રમ બેસ્ટ છે. ફિલ્મના ડિરેક્ટર- રાઈટર પલ્લવ પરીખે જે મહેનત કરી છે તે કાબિલે તારીફ છે. કારણકે આ ફિલ્મની જે સ્ટોરી લાઈન છે તે બનાવવા માટે તેમણે કેટલી મહેનત કરી હશે એ દેખાય છે.
ફિલ્મમાં કેટલાંક મુખ્ય પાત્રો છે જેમાં માયા (સોનાલી લેલે દેસાઈ)ને ડિમેન્શિયા નામની બીમારી હોય છે જેથી તે બધું ભૂલી જાય છે અને તેને યાદ રહેતું નથી. તેની દીકરી શ્રદ્ધા ના પાત્રમાં નિશ્મા સોની છે. મિત્ર ગઢવી માયાના કેરટેકર તરીકે મેહુલની ભૂમિકામાં છે. માયા પોતાની દિકરી શ્રદ્ધાના મર્ડરની સાક્ષી બને છે અને આ આખી મર્ડર મિસ્ટ્રીનો કેસ પોલિસમેન રાકેશ (અભિનય બેંકર)ના હાથમાં જાય છે.. માયાના જીવનમાં કેવા ઉથલપાથલ આવે છે અને આખરે તેનું ખૂન કર્યું છે કોણે એ તમને ફિલ્મની 2 મિનિટ બાકી હશે ત્યારે જ ખબર પડશે.
ફિલ્મના દરેક પળે તમને સસ્પેન્સ જોવા મળશે. અભિનય બેંકરે ખૂબ સુંદર પરફોર્મન્સ આપ્યું છે. સાથેજ મિત્ર, સોનાલી, નિશ્મા દરેકે પોતાના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. આ ફિલ્મનું આનાથી સારું કાસ્ટિંગ હોઈ જ ના શકત.
આ ફિલ્મમાં તમે એક પળ પણ ચૂકી ગયા તો તમે ગોથા ખાઈ જશો કે હવે થશે શું કારણકે આટલી અદ્ભૂત થ્રિલર વાર્તા ગુજરાતી સિનેમામાં અગાઉ ક્યારેક જ આવી હશે. ફિલ્મનું બીજીએમ મજ્જો કરાવે તેવું છે.
પલ્લવ પરીખે સાબિત કર્યું છે કે તે ખરેખર કાંઈક અલગ વિચારે છે અને સિટીશોર દ્વારા ખૂબ જ અદભુત ફિલ્મ બનાવવામાં આવી છે. એકદંરે કહીએ તો, જેને થ્રિલર બેઝડ સસ્પેન્સ ફિલ્મો કે વેબ સિરીઝ ગમે છે તેના માટે તો આ ફિલ્મ બેસ્ટ છે.. આજે જ જોઈ આવો ભ્રમ.
આ ફિલ્મને અમે 5 માંથી 4 સ્ટાર્સ આપીએ છીએ.
