ભારતની સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયા હવે તેની સતત ખોટ કરવાને પગલે પાંચ દેશોમાં તેના ઓપરેશન એટલેકે ઓફિસ બંધ કરી રહી છે. એર ઇન્ડિયાએ પાંચ દેશોમાં પોતાની ફ્લાઈટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય
કર્યો છે. આ સાથે જ આ દેશોમાં ઓફિસ પણ બંધ કરી દેવામાં આવશે. સતત થઇ રહેલી નુકસાનીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દેશોમાં કોપનહેગન -ડેનમાર્ક, મિલાન -ઇટાલી, સ્ટોકહોમ -સ્વીડન, મેડ્રિડ -સ્પેન અને વિઆના પોર્ટુગલનો સમાવેશ થાય છે. કોરોના મહામારી આવી તે પહેલા આ પાંચ દેશો માટે ફ્લાઈટ્સ જતી હતી. ત્યાં કાર્યરત એર ઇન્ડિયાના કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યા છે.
પેસેન્જર્સની સંખ્યામાં ઘટાડો થયો
મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે એર ઇન્ડિયાએ ઓછામાં ઓછા પાંચ યુરોપિયન સ્થળોએ ફ્લાઇટ્સ અટકાવવાનો નિર્ણય લીધો છે. આ પાછળનું કારણ આવકનું નુકસાન છે. કોરોના રોગચાળો અને લોકડાઉનને કારણે એરલાઇન ઉદ્યોગની હાલત કફોડી બની છે. હાલમાં, એરલાઇન ઉદ્યોગ જેમતેમ કરીને પોતાની રેવન્યુ કાઢવાનો પ્રયત્ન કરે છે. ઘરેલું ફ્લાઇટ્સ પણ ત્રીજા ભાગની ક્ષમતા સાથે કાર્યરત છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હજી પણ બંધ છે.