ભારતમાં જેન્ડર ડિજિટલ ડિવાઇડને સમાપ્ત કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ના વુમન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોસ્પેરિટી (W-GDP) ફંડ હેઠળ સાથે મળીને કામ કરશે. W-GDPના એક કાર્યક્રમ દરમિયાન આ ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી, જેની યજમાની અમેરિકાના નાયબ વિદેશ મંત્રી સ્ટીફન બિગને કરી હતી અને તેમાં અમેરિકી પ્રેસિડેન્ટના સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ તથા USAIDના ડેપ્યૂટી એડમિનિસ્ટ્રેટર બોની ગ્લિક ખાસ હાજર રહ્યા હતા.
પ્રેસિડેન્ટ ટ્રમ્પના સલાહકાર ઇવાન્કા ટ્રમ્પે કહ્યું હતું કે, “મહિલાઓના આર્થિક સશક્તિકરણને આગળ વધારવા માટે એકદમ નવીન કાર્યક્રમો તૈયાર કરવા અને તેનું મોટાપાયે અમલીકરણ કરવા માટે W-GDP ફંડની રચના કરવામાં આવી હતી. અમે અમેરિકી સરકાર અને ખાનગી ક્ષેત્રના સંસાધનો અને કૌશલ્યનો લાભ લઈ રહ્યા છીએ જેનાથી જે સમુદાયો સુધી પહોંચવામાં આવ્યું છે તેમાં થયેલા કાર્યોની અસરો લાંબો સમય સુધી ટકે અને લાંબા ગાળાના લાભ આપી શકે.”
USAIDના એક્ટિંગ એડમિનિસ્ટ્રેટર જોહ્ન બર્સાએ કહ્યું હતું કે “આપણે જો અડધી વસ્તીને તરછોડી દઈએ તો વૈશ્વિક સમૃદ્ધિનું કાર્ય આપણી પહોંચથી બહાર રહી જાય. યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)માં અમે માનીએ છીએ કે માનવ વિકાસમાં આમૂલ પરિવર્તન માટે મહિલાઓમાં મૂડીરોકાણ કરવું ચાવીરૂપ છે. USAIDનું W-GDP ફંડ સ્ત્રી-પુરુષ વચ્ચેની આર્થિક અસમાનતાની ખાઈ પૂરવા માટેના નવીન ઉકેલોને આર્થિક મદદ પૂરી પાડે છે અને અમારા સહયોગીઓને આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરે છે.”
આ ઇવેન્ટમાં વર્ચ્યુઅલ વીડિયો સંદેશો આપતાં રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષા નીતા અંબાણીએ કહ્યું હતું કે, “રિલાયન્સ ફાઉન્ડેશનની USAID સાથેની ભાગીદારી થકી W-GDP સાથેના જોડાણની જાહેરાત કરતાં હું આનંદ અને ગર્વ અનુભવું છું. અમે વર્ષ 2020ના અંત પહેલા સમગ્ર ભારતમાં W-GDP વુમનકનેક્ટ ચેલેન્જનો પ્રારંભ કરીશું. આ ભાગીદારીના કેન્દ્ર સ્થાને સ્ત્રી-પુરુષ વચ્ચેની અસમાનતા અને તેમની વચ્ચે ડિજિટલ ડિવાઇડની ખાઈ પૂરવા માટેના અમારા સમાન લક્ષ્યો પર કામ કરીશું.”