ડૉ. પંકજ કુમાર સિંઘ, એમબીબીએસ, એમડી પીએમસીએચ, પટણા (ફિઝિશિયન)
ચાલુ વર્ષે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડિયા ટીબી રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ટીબીના 18.05 સૂચનાપત્રો બહાર પડાયા હતા, જેમાં 2019ની સરખામણીએ 24%નો ઘટાડો નોંધાયો હતો, આના માટે મહામારીને કારણે આવેલા વિક્ષેપો જવાબદાર છે. જો કે, 2025 સુધીમાં ભારતમાંથી ટ્યુબરક્યુલોસિસ નાબૂદ કરવાનો સરકારનો ધ્યેય છે. વહેલું નિદાન, કેસની જાણ થવી, પગેરું રાખવું, સંપર્ક દેખરેખ અને અવિરત સારવાર એ ચાવીરૂપ બાબતો છે જે ભારતને ટીબી-મુક્ત બનાવવાનો માર્ગ પ્રશસ્ત કરશે.
સમયસરનું નિદાન અને તબીબી હસ્તક્ષેપ ટીબીને ઉગતો ડામી શકે છે. અને તે અટકાવી શકાય એવો અને સાધ્ય રોગ હોવા છતાં, દર વર્ષે ભારતમાં 4,00,000થી વધુ લોકો તેનો શિકાર બને છે. સરકાર અને ટીબી યોદ્ધાઓ પહેલેથી જ ટીબી સામેના યુદ્ધમાં આગેવાની લઈ લડી રહ્યા છે છતાં, આ કાતિલ રોગને પરાસ્ત કરવા અને ટીબીને દેશમાંથી નાબૂદ કરવા માટે દરેકે દરેક નાગરિક સંકેન્દ્રિત પ્રયાસ કરે એ જરૂરી છે. આ રોગ, તેના લક્ષણો વિશે સજાગ હોવું અને તમારામાં અથવા તમારા પરિવારના કોઈ સભ્યમાં આમાંના કોઈ લક્ષણ તમારા ધ્યાનમાં આવે તો શક્ય હોય એટલું વહેલું યોગ્ય ડૉક્ટરની મુલાકાત લેવી એ સૌથી મહત્વની બાબત છે.
ટીબી હવાથી ફેલાય છે અને ટીબીનો ચેપ ધરાવતી કોઈ વ્યક્તિ દ્વારા ઉચ્છવાસમાં છોડવામાં આવેલી હવામાં શ્વાસ લીધા બાદ કોઈપણ વ્યક્તિ આ રોગથી ચેપગ્રસ્ત થઈ શકે છે. ટીબીના બૅક્ટેરિયા અનેક કલાકો સુધી હવામાં રહે છે. એ પછી વ્યક્તિની રોગ પ્રતિકાર શક્તિ નબળી પડે એવા કોઈ તબક્કે તેનામાં સક્રિય ટીબી વિકસી શકે છે. ખરેખર સક્રિય રોગ વિકસ્યા વિના પણ લોકો ટીબીના બૅક્ટેરિયાથી ચેપગ્રસ્ત થઈ શકે છે. આને નિષ્ક્રિય ટીબી કહેવાય છે, અને તે સંસર્ગજન્ય ન હોવા છતાં અને સામાન્યપણે લક્ષણો વિનાનો હોવા છતાં, આગળ જઈ સક્રિય ટીબીમાં વિકસી શકે છે.
ટીબી સર્વ સામાન્યપણે ફેફસાં પર અસર કરે છે, પણ તે શરીરના અન્ય અનેક અંગો જેમ કે લસિકા ગાંઠ, જઠરાંત્રિય માર્ગ, હાડકાં, મગજ તથા પ્રજનન અંગો જેવા કેટલાંક ભાગો પર પણ અસર કરી શકે છે.
તમે અથવા તમારા પ્રિયજનમાંથી કોઈએ ટીબીનું પરિક્ષણ કરાવવું જોઈએ કે નહીં એ વિશે તમે ચોક્કસ ન હો તો આ કેટલાક મહત્વની બાબતો પર ધ્યાન આપવું જોઈએઃ
- તમને જો બે અઠવાડિયાથી વધુ સમયથી ખાંસી (સામાન્યપણે ગળફા સાથે અને ક્યારેક લોહી સાથે), તાવ, ભૂખ અને વજનમાં નોંધપાત્ર ઘટાડો, રાત્રે પરસેવો વળવો, અથવા હાલમાં જ વધુ પડતો થાક લાગતો હોય, તો તમે ટીબીથી પીડાતા હો એવી શક્યતા છે.
- ઓછી રોગ પ્રતિકારક શક્તિ (અર્થાત એવા લોકો જેઓ ક્ષતિગ્રસ્ત રોગ પ્રતિકાર શક્તિ ધરાવતા હોય) ધરાવતી કોઈ પણ વ્યક્તિમાં ટીબી વિકસવાનું જોખમ ખાસ્સું વધુ હોય છે. આમાં કુપોષિત, એચઆઈવી સાથે જીવતાં, ડાયાબિટિક અથવા સ્ટેરોઈડ્સ જેવી રોગ પ્રતિરક્ષાને દબાવતી દવાઓ અથવા સ્વયંપ્રતિરક્ષા જેવા વિકારો (જેમ કે રીમેટોઈડ આરથ્રાઈટિસ) માટેની દવા લેતાં અને કૅન્સર માટે કૅમો થૅરેપી લઈ રહ્યા હોય એવા લોકોનો સમાવેશ થાય છે.
- દર્દીઓની સારસંભાળ લેતાં સ્વાસ્થ્ય-સંભાળ કાર્યકર્તાઓમાં ટીબી રોગ થવાનું જોખમ વધુ હોય છે. ટીબીના દરદીઓ સાથે પોતાનો મોટા ભાગનો સમય વીતાવતા હોય એવા લોકોને આ રોગ લાગવાની શક્યતા વધુ હોય છે. સમયસર કરવામાં આવેલું નિદાન આ રોગના પ્રગમનને ઘટાડવામાં મદદ કરે છે.
- ટીબીના દરદીઓ હોવાનું નિદાન થયું હોય એવા લોકોના સંપર્કમાં આવનારાઓ અથવા ટીબીનો ચેપ લાગવાની શક્યતા જેમને વધુ હોય એવા લોકો સામે પણ જોખમ રહે છે. ખાસ કરી ને નવજાત શિશુઓ, નાના બાળકો અને કિશોરવયનાઓ જે આવા લોકોના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતા હોય તેમનું પરિક્ષણ પણ કરાવી લેવાનું, ખાસ તો પરિવારના કોઈ સભ્યને ટીબી થયો હોય ત્યારે.
દાન થયા વિનાનો અને સારવાર વિનાનો ટીબી તમારા સ્વાસ્થ્યને વધારે ખરાબ કરી શકે છે, એટલું જ નહીં તમારી આસપાસના અને સમુદાયમાંના લોકોમાં ચેપ ફેલાવાની શક્યતાઓને પણ વધારી મૂકે છે. નિષ્ક્રિય ટીબી સાંસર્ગિક ન હોવાથી આ રોગ ધરાવતા લોકો તેમની રોજબરોજની પ્રવૃત્તિઓ-કામગીરી ચાલુ રાખી શકે છે. આમ છતાં, પલ્મોનરી ટીબી રોગ ધરાવતા લોકોએ ઘરમાં જ રહેવું અને અન્યો સાથે નિકટનો સંપર્ક ટાળવો જરૂરી છે. યાદ રાખો, દવા લેવું શરૂ કર્યાના થોડા અઠવાડિયા બાદ તમે ચેપ ફેલાવતા નથી. આમ છતાં, સારવારનો આખો કોર્સ (સામાન્યપણે આશરે 6 મહિનાનો) પૂરો કરવો જરૂરી છે, અન્યથા શક્યતા છે કે તે ફરીથી પ્રગટ થઈ શકે છે, અને એનાથી પણ ખરાબ બાબત એટલે તે સારવાર સામે પ્રતિકાર કરતો થઈ શકે છે.
તમારા ડૉક્ટર સૂચવે એટલો સમય સુધી જ તમારે દવાઓ ચાલુ રાખવાની જરૂર રહે છે. આથી, ટીબીથી ડરવાનું કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ટીબીમાંથી પૂર્ણપણે સાજા થઈ શકાય છે.