૩૫૦થી વધુ કલાકારો સતત પાંચ દિવસ સુધી કલા સાધના કરશે
Somanth:સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં સમુદ્રકિનારે યોજાશે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા આયોજિત અમૃત ધારા મહોત્સવમા આસામ, મણિપુર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ સહિતના રાજ્યોમાંથી આવનાર ૩૫૦ થી વધુ કલાકારો પરંપરાગત નૃત્ય અને ભક્તિમય સંગીતની પ્રસ્તુતિ રજૂ કરશે. આ અમૃત ધારા ઉત્સવ સંદર્ભે જાણકારી આપતા સંગીત નાટક અકાદમીના પ્રોગ્રામ ઓફિસર તેબા દેવીએ જણાવ્યું કે, ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં હેઠળની સ્વાયત સંસ્થા સંગીત નાટક એકેડમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આયોજિત આ અમૃતસર સ્વર ધારા ઉત્સવ ૨૬ માર્ચ થી ૩૦ માર્ચ સુધી યોજાનાર છે.
જેમાં દેશના ખૂણે ખૂણેથી ૩૫૦ થી વધુ કલાકારોના ૩૩ ગ્રુપ પોતાની લોક સંસ્કૃતિ પ્રદર્શિત કરશે. જેમાં ગાયન વાદન અને નૃત્યના ત્રિવેણી સંગમ દ્વારા ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલાસાધના કરાશે. જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ અને સોમનાથ ટ્રસ્ટના સહયોગ સાથે યોજાનાર અમૃતસર ધારા ઉત્સવ સંદર્ભે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ ઉત્સવનો સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર શુભારંભ કરાવશે. આ અમૃત સ્વરધારા ઉત્સવમાં સતત પાંચ દિવસ સુધી દેશભરના ખૂણે ખૂણેથી આવનાર કલાકારો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમ રજૂ કરશે. ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો અને સોમનાથ આવતાં કલાપ્રેમી યાત્રીઓ માટે અવિસ્મરણીય અનૂભવ બની રહેશે