- 8થી 15 ઓગસ્ટ સુધી યોજાશે “પરંપરા – હેરિટેજ એન્ડ ફૂડ ફેસ્ટિવલ”
- રાજ્યના પ્રવાસન સ્થળો અને હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન આપવાનો હેતુ
રાજ્યના હેરિટેજ પ્રવાસન, હસ્તકલા અને રસોઇકળે પ્રોત્સાહન આપતા“પરંપરા – હેરિટેજ એન્ડ ફૂડ ફેસ્ટિવલ”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. 8થી 15 ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલનું આયોજન આઇએફઈએ દ્વારા એસએનએસ કૂકિંગ ક્લાસિસના સહયોગિતામાં નારાયણી હાઈટ્સ ક્લબ એન્ડ રિસોર્ટ, ભાટ, ગાંધીનગર ખાતે કરવામાં આવી રહ્યું છે.
પરંપરા હેરિટેજ એન્ડ ફૂડ ફેસ્ટિવલના આયોજન પર પ્રકાશ પાડતા આઇએફઈએના ફાઉન્ડર અનિલ મુલચંદાનીએ જણાવ્યું, “નાના ઉદ્યોગ સાહસિકોને તેમનો વ્યવસાય વધારવા માટે પ્રોત્સાહિત કરવા માટે 12મી જુલાઈ 2017ના રોજ ‘ઈનોવેટિવ ફૂડ એન્ટરપ્રેન્યોર્સ એસોસિએટ’ની શરૂઆત કરવામાં આવી હતી. અમારા ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને, “પરમ્પરા” એ એક એવી ઇવેન્ટ છે, જે હોમ શેફ અને કારીગરોને તેમની કુશળતા અને ઉત્પાદનોને બજારમાં પ્રદર્શિત કરવાની તક આપે છે. ફૂડ, ટેક્સટાઇલ અને હસ્તકલા એવા વ્યવસાયો છે કે જે મોટા પાયે રોજગાર પ્રદાન કરે છે અને તેથી પ્રોત્સાહનની જરૂર છે.”
નારાયણી હાઈટ્સના ડિરેક્ટર રાજીવ ગુપ્તાએ આ પ્રસંગે જણાવ્યું, “અમારી નારાયાણી હાઈટ્સ ક્લબ એન્ડ રિસોર્ટ સભાઓ, પ્રદર્શનો, મનોરંજન, પરિષદો અને લગ્નો માટેના સ્થળ તરીકે ઓળખાય છે. પરંપરા એ ધરોહર સંરક્ષણ, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ અને હોમ શેફને પ્રોત્સાહન આપીને સમાજને પાછું આપવાની અમારી રીત છે. અમે આને કૅલેન્ડર ઇવેન્ટ બનાવવાની આશા રાખીએ છીએ.”
સ્વીટ એન્ડ સ્પાઈસી કૂકિંગ ક્લાસના મનીષા ગુપ્તાએ આ પ્રસંગે જણાવ્યું, “ફૂડ એન્ટરપ્રેન્યોર્સને વધુ ઈનોવેટિવ બનવામાં મદદ કરવાના અમારા પ્રયાસોના ભાગરૂપે, અમારી કૂકિંગ વર્કશોપ, રસોઈ સ્પર્ધા અને ફૂડ ફોટોગ્રાફી વર્કશોપ બિલકુલ નિઃશુલ્ક છે! શેફ હોમ એન્ટરપ્રેન્યોર્સને પરંપરાગત ભોજનની આધુનિક રીત શીખવશે.”
“પરંપરા – હેરિટેજ એન્ડ ફૂડ ફેસ્ટિવલ”ના આયોજન પાછળનો હેતુ ગુજરાતના હેરિટેજ ટુરિઝમ સ્થળોને પ્રોત્સાહન આપવા, કારીગરોને તેમની કાપડ અને હસ્તકલાને એક મંચ પુરૂં પાડવા તથા હોમ શેફ, મહિલા ઉદ્યોગસાહસિકો અને યંગ ફૂડ એન્ટરપ્રેન્યોર્સને પ્રોત્સાહન પુરૂં પાડવા માટેનો છે. “પરંપરા – હેરિટેજ એન્ડ ફૂડ ફેસ્ટિવલ” ખાતે મુલાકાતીઓ હેરિટેજ ફોટો પ્રદર્શન, ગુજરાતના દેશી વણાટ અને હસ્તકલાનું પ્રદર્શન અને પ્રદર્શન, ગુજરાતની વિવિધ વાનગીઓને આવરી લેતા હોમ શેફ દ્વારા ફૂડ ફેસ્ટિવલ, રસોઈ સ્પર્ધા, રસોઈ વર્કશોપ અને 8થી 15મી ઓગસ્ટ 2022 સુધી ચાલનારા મહિલા ઉદ્યમી બજારની મુલાકાત લઇ શકે છે.
ગુજરાત હસ્ત વણાટના કાપડનો સમૃદ્ધ વારસો ધરાવે છે. ગુજરાતના પટોળા, મશરૂ, ટાંગલિયા, સુજુની જેવા વણાટ વૈશ્વિક સ્તરે વખયાણ છે. તો રાજ્યના હસ્તકલા સમૃદ્ધિમાં કલમકારી, ભરતકામ, બાંધણી ટાઈ-ડાઈ, લાકડાની કોતરણી વગેરે જેવી ભરત-ગૂંથણ હસ્તકળાનો પણ સમાવેશ થાય છે. આ તમામ હસ્તકલાને પરંપરા ખાતે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. દરેક માટે પોતે જે સ્થળની મુલાકાત લીધી છે, તે કાયમી યાદગીરી બનાવી રાખવી એ મહત્વતા ધરાવે છે. તેથી જ પરંપરા ખાતે અમદાવાદની ધરોહર સમાન ઈમારતોનું પ્રતિનિધિત્વ કરતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત કલાત્મક સોવિનિયરનું પ્રદર્શન પણ કરવામાં આવશે.
પરંપરા ખાતે મુલાકાતીઓ રાજ્યની વિવિધ વાનગીઓનો સ્વાદ એક જ છત હેઠળ માણી શકે તે માટે રાજ્યની સાત વાનગીઓ ઉત્તર ગુજરાતી થાળી, ચરોતર થાળી, કાઠીયાવાડી થાળી, સુરતી થાળી, કચ્છી થાળી, મધ્ય ગુજરાતી થાળી અને ફૂડ યુનાઈટેડ ઈન્ડિયા થાળીને સાત દિવસ સુધી રજૂ કરાવામાં આવશે. તો 15મી ઓગસ્ટના રોજ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે કાશ્મીરથી કેરળ અને આસામથી કચ્છ સુધીની વાનગીઓને આવરી લેતું મેનૂ રજૂ કરવામાં આવશે. આ સાથે ઉત્સવ ફ્લી માર્કેટ ખાતે હસ્તકલા વસ્તુઓનું રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે માટે ભેટ અને અન્ય વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવશે.
આ સાથે “પરંપરા – હેરિટેજ એન્ડ ફૂડ ફેસ્ટિવલ” ખાતે રસોઇ વર્કશોપ્સમાં આયોજિત કરવામાં આવશે. જેના આયોજન દરમિયાન સહભાગીઓ પરંપરાગત રસોઇ બનાવતા શીખી શકશે. રસોઇ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તો પરંપરા ખાતે મનોરંજન પ્રવૃત્તિઓમાં ગુજરાતની સંસ્કૃતિ અને જીવનશૈલીનું પ્રતિનિધિત્વ કરતા સંગીત અને નૃત્યની પ્રસ્તૂતિ કરવામાં આવશે, સાથેસાથે હેરિટેજ ક્વિઝ, ફૂડ ક્વિઝ, ગેમ્સ, હાઉસી અને અન્ય રમતોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.