અપકમિંગ ગુજરાતી ફિલ્મ “ચબુતરો” તેના ટીઝર રીલિઝથી જ ચર્ચામાં આવી ગઇ છે. ફિલ્મની અનોખી પણ સામાન્ય પરિવારોમાં જોવા મળતી વાર્તાઓ દર્શકોને પોતાની સાથે જોડી છે. આવી જ ખૂબ જ સુંદર વાર્તા સાથેની ફિલ્મ “ચબુતરો” 4 નવેમ્બરના રોજ સમગ્ર રીતે થિયેટર રીલિઝ માટે સંપૂર્ણપણે સજ્જ છે. જેનું ટ્રેલર અમદાવાદ ખાતે 11 ઓક્ટોબરના રોજ રીલિઝ કરવામાં આવ્યું.
ચાણક્ય પટેલ દ્વારા લેખિત અને દિગ્દર્શિત તેમજ વ્હાઇટ એલિફન્ટ દ્વારા પ્રોડ્યુસ “ચબુતરો” ફિલ્મમાં નાયક પોતાની ઓળખ અને ઈચ્છાઓની શોધમાં નીકળે છે. વિદેશની ઉજ્જવળ કારકિર્દી કે પોતાના પારિવારિક વ્યવસાયમાં જોડાવવું તેની આસપાસ ફિલ્મની વાર્તા આગળ વધે છે. ફિલ્મનું 2.26 મિનિટના ટ્રેલરને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં રૌનક કામદાર અને અંજલિ બારોટ, ધર્મેશ વ્યાસ, છાયા વોરા, ભૂમિકા બારોટ, ધર્મેશ વ્યાસ, શિવમ પારેખ, અન્નપૂર્ણા શુક્લા અને આકાશ પંડ્યાએ પોતાનો અભિનય આપ્યો છે. ફિલ્મના ગીતો નિરેન ભટ્ટે લખ્યા છે, જ્યારે સંગીત સિદ્ધાર્થ અમિત ભાવસારે આપ્યું છે.
નિર્માતા નેહા રાજોરા અને શુભમ રાજોરાની પ્રસ્તુતિ “ચબુતરો” ફિલ્મનો નાયક પોતાની ઓળખ અને ઈચ્છાઓની શોધમાં નીકળે છે, શું તે પોતાના શહેરમાં પોતાની ઓળખ બનાવી શકશે.. તે વાતનો જવાબ 4 નવેમ્બર, 2022ના રોજ ફિલ્મની થિયેટર રીલિઝ સાથે મળી જશે.
“ચબુતરો” ફિલ્મના ટ્રેલર લૉન્ચ પ્રસંગે પ્રોડ્યૂસર નેહાએ જણાવ્યું, “ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણી ઉંચાઈ પર પહોંચી ચુકી છે અને હવે દર્શકો ગુજરાતી ફિલ્મોની બૉલીવુડ ફિલ્મો સાથે તુલના કરતા જોવા મળે છે. તેથી જ “ચબુતરો” ફિલ્મ સાથે અમે ગુજરાતી સંસ્કૃતિ, વતન પ્રત્યનો લગાવ થકી વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ આખરે પોતાના દેશ પ્રત્યે કેટલો ગર્વ ધરાવે છે તે દર્શાવવામાં આવ્યું છે.”