શાહરુખ ખાન, દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ અભિનિત પઠાણના ટીઝરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે, કારણ કે ચાહકો અને દર્શકોએ ચાર વર્ષ પછી મોટા પડદા પર કિંગ એસઆરકેના પુનરાગમનને આવકાર્યું છે. સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત યશ રાજ ફિલ્મ્સની એકશનસભર ફિલ્મમાં એસઆરકેના સંપૂર્ણ નવા એકશન અવતાર બાબતે લોકોમાં જબરદસ્ત ઉત્સુકતા છે.
ડાયરેક્ટરે જણાવ્યું કે મેગાસ્ટારે ફિલ્મ માટે તૈયાર કરાયેલા અત્યંત પડકારજનક એકશન દ્રશ્યો માટે શરીર તૈયાર કરવા અતુલનીય મહેનત લીધી છે.
સિદ્ધાર્થ કહે છે, “શાહરુખ ખાને પઠાણમાટે શરીર તૂટી જાય ત્યાં સુધી મહેનત લીધી છે. આથી પઠાણના ટીઝર માટે તેને જે પ્રેમ મળી રહ્યો છે તે માટે એ હકદાર છે. મને યાદ છે કે હું સૌપ્રથમ વાર તેને પઠાણ માટે મળ્યો ત્યારે ભૂમિકા શારીરિક રીતે કેટલી પડકારજનક છે તે વિશે વાતો કરી હતી અને તેણે તૈયારી બતાવી અને પડદા પર હવે તે દેખાય છે.”
તે ઉમેરે છે, “તે રોમાંચ ચાહતો હતો અને તેના ભાગરૂપ દર્શકો પણ પડદા પર એ મહેસૂસ કરે એવું ચાહતો હતો. તેણે પોતાનું શરીર જે રીતે ઘડ્યું છે, અત્યંત ખતરનાક સ્ટંટ્સ ભજવવા માટે તેણે બેસુમાર તાલીમ લીધી છે, ખતરનાક રસ્તાઓ અને હવામાનમાં તેણે જે રીતે પોતાને અનુરૂળ બનાવ્યો અને ભારતની સૌથી ભવ્ય એકશનસભર ફિલ્મ આપવા માટે તેની કટિબદ્ધતા બહુ જ અતુલનીય છે.”
ડાયરેક્ટર વધુમાં કહે છે, “અમે તૈયાર કરેલાં એકશનનાં દ્રશ્યો ભજવવા માટે તેણે જે તૈયારીઓ કરી છે તે માની શકાય એમ નથી. શાહરુખ ખાન જેવું કોઈ નથી અને ફિલ્મ પ્રત્યે તેના અભિગમ સાથે તેની ઘનતા જોવા માટે તમને ફિલ્મની રિલીઝની વાટ જોવી પડશે.”
પઠાણ હિંદી, તમિળ અને તેલુગુમાં 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થશે.