વિરલ દેસાઈને ત્રીજીવાર રાષ્ટ્રપતિને હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો છે. અત્યાર સુધીમાં તેઓ કુલ છ રાષ્ટ્રીય સન્માન જીતી ચૂક્યા છે.
સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને દેશમાં ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં સર્વોચ્ચ ગણાતો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો છે. ઊર્જા મંત્રાલય દ્વારા એનાયત થતો આ પ્રતિષ્ઠિત એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તેમને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એનાયત કરવામાં આવ્યો હતો.
આ રાષ્ટ્રીય સન્માન દેશના વિવિધ ક્ષેત્રોમાં ઊર્જા સંરક્ષણ માટે કાર્યરત લોકો અને સંસ્થાઓને એનાયત થાય છે, જેમાં દેશભરમાંથી ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાંથી વિરલ દેસાઈની કંપની ઝેનિટેક્સને પ્રથમ સ્થાન મળ્યું છે, જેને લઈને સુરત તેમજ ગુજરાતભરના ટેક્સટાઇલ્સ ક્ષેત્રોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
આ સંદર્ભે વિરલ દેસાઈએ કહ્યું હતું, ‘અમારા પ્રયત્નો અને ઈનિશિયેટિવ્સની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ અને ટેક્સટાઈલ્સ ક્ષેત્રે અમને ફરી એકવાર પ્રથમ સ્થાન મળ્યું એને માત્ર અમારું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય. આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યશસ્વી આગેવાનીમાં ગુજરાતે સૌથી પહેલા રિન્યુએબલ એનર્જી અને ઉર્જા સંરક્ષણની દિશામાં નક્કર શરૂઆત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આવનારા વર્ષોમાં ભારત ઊર્જા સંરક્ષણ અને ક્લાયમેટ ચેન્જની દિશામાં વિશ્વ આખા માટે એક આદર્શ બનવાનું છે. ત્યારે અમૃત કાળના આ યુગમાં આપણને આ મહાયજ્ઞમાં યોગદાન આપવાની તક મળી રહી છે એ અત્યંત આનંદની વાત છે.’
ઉલ્લેખનીય છે કે પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય કરવા બદલ વિરલ દેસાઈને આ પહેલા પણ ચાર વાર એનર્જી કન્ઝર્વેશનનું સન્માન પ્રાપ્ત થયું છે, જેમાં ત્રણવાર તેઓ દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યા હતા. તો અનેક આંતરરાષ્ટ્રીય મંચોએ પણ તેમને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માનોથી સન્માનિત કર્યા છે. તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ મુહિમને રાષ્ટ્રીય સ્તરે અત્યંત પ્રતિસાદ સાંપડયો છે.