“ચાર ફેરાનું ચકડોળ” અપેક્ષા પર ખરી ન ઉતરી?
સંજય ગોરડિયા હોય એટલે હાસ્યની રેલમછેલ હોય જ એ વાત 100% સાચી. પણ પહેલીવાર કદાચ એવું બન્યું હશે કે સંજય ગોરડિયા કઈ ખાસ ધમાલ કમાલ ના કરી શક્યા. નાટકોમાં પોતાના અભિનયથી પેટ પકડીને હસાવતા સંજય ગોરડિયા ફિલ્મ “ચાર ફેરાનું ચકડોળ”માં દર્શકોને ક્ષણિક પણ હસાવી ના શક્યા. તેમના અભિનયમાં, ડાયલોગ ડિલિવરીમાં ખુબ જ સુસ્તી દેખાઈ..

ફિલ્મના મુખ્ય પાત્રોમાં સંજય ગોરડિયા, દિશા સાવલા ઉપાધ્યાય, સ્મિત પંડયા અને ભાવિની ગાંધી જોવા મળે છે. ફિલ્મની વાર્તા કઈંક આ પ્રમાણે છે. મુકેશ (સંજય ગોરડિયા) એક નોકરિયાત વ્યક્તિ છે, પોળમાં રહે છે અને કરકસર કરીને ઘર ચલાવે છે. અને તેમના પત્ની નીતા ખુબ ઊંચા સપના જોવે છે. તેમને રહેવા માટે બંગલો, ફરવા માટે ગાડી જોઈએ. બાળકને ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરાવવો છે. આજ કારણોસર મુકેશ અને નીતાની અવારનવાર બોલાચાલી થઇ જાય છે. આખરે એક દિવસ કકળાટથી કંટાળીને મુકેશ ઘર છોડીને ચાલ્યો જાય છે.
થોડા સમય બાદ પોલીસને રેલવે ટ્રેક પરથી એક ડેડબોડી મળે છે જે મુકેશ છે એવી ઓળખ થઇ જાય છે. મુકેશના બેસણા વખતે જ અચાનક મુકેશ નવી યુવતીને લઈને ઘરે પહોંચે છે અને બેસણામાં ઉપસ્થિત સૌ કોઈ ચકિત થઇ જાય છે. મુકેશ નીતાને ઘરે જઈને સમજાવે છે કે તે યુવતી તેની પાર્ટનર છે અને કેન્સરના રોગથી પીડાય છે એટલે 6 મહિનાની જ મહેમાન છે, પણ મુકેશ તેની સાથે સમય વિતાવશે તો તે યુવતી નીતાને 30 લાખ રૂપિયા આપશે. નીતા આ ડીલ સ્વીકારી લે છે અને પૈસાની લાલચમાં મુકેશના બીજા લગ્ન કરાવી દે છે.
શું મુકેશ બંને પત્નીઓ સાથે એક છત નીચે રહી શકશે? શું તેની બીજી પત્ની તેને પહેલી પત્ની સાથે રહેવા દેશે? મુકેશની કેટકેટલી મુશ્કેલીઓ વધે છે તે ફિલ્મ જોઈને જ ખ્યાલ આવશે.
મુકેશના મિત્ર તરીકે સ્મિત પંડયાનું પાત્ર ખુબ જ રમૂજ અને દમદાર છે. અને તે પોતાના દરેક સીનમાં પ્રેક્ષકોને પેટ પકડીને હસવામાં સફળ થયા છે. નીતાના પાત્રમાં દિશા ઉપાધ્યાયે દમદાર અભિનય આપ્યો છે. તેમના અભિનયમાં જુદાઈ ફિલ્મની શ્રીદેવીની ઝલક જોવા મળે છે. તેમની મહેનત અને સમર્પણ તેમના પાત્રમાં ઝળહળે છે. સ્મિત પંડયાની પત્નીના પાત્રમાં ભાવિની ગાંધીનો અભિનય પણ નોંધનીય છે. ગેસ્ટ અપિઅરન્સમાં જીતેન્દ્ર ઠક્કરનું પાત્ર મજા કરાવે છે. નિશિત બ્રહ્મભટ્ટનું દિગ્દર્શન છે.
ન્યુઝ આસપાસ તરફથી ફિલ્મને 5 માંથી 2.5 સ્ટાર.